SURAT,તા.16
કઝાકિસ્તાન યોજાયેલા એશિયન ગ્લોબલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હેર સ્ટાઈલિંગ કોમ્પિટિશનમાં ભારત તરફથી સુરતના ઘનશ્યામ ગઢાદરાએ શ્રેષ્ઠ પ્રદર્શન દાખવી એશિયન કપ ભારતને નામે કર્યો હતો. આ ચેમ્પિયન શીપમાં કઝાકિસ્તાન, યુકે, ચીન સહિતના 10 દેશોના હેર સ્ટાઈલિસ્ટોએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશન માટે ઘનશ્યામ ત્રણ દિવસ સુધી સૂતો ન હતો.
હાલમાં જ કઝાકિસ્તાનમાં યોજાયેલી સીએમસી એશિયન ગ્લોબલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હેર સ્ટાઈલિંગ કોમ્પિટિશનમાં 10 દેશોની વચ્ચે ભારતે પ્રથમ ક્રમ મેળવ્યો હતો અને આ ખિતાબ ભારતે પોતાના નામે કર્યો હતો જેમાં ભાગ લેનાર ઘનશ્યામભાઈ ગઢાદરાએ 45 મિનિટના આપેલ ટાસ્કમાં 30 મિનિટમાં જ સૌપ્રથમ કામગીરી કરી શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડ, ચાઈના, રશિયા, તુર્કીસ્તાન અરમાનિયા સહિત આ 10 દેશોની વચ્ચે ભારતે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ભારતનું નામ રોશન કરનાર ઘનશ્યામ ગઢાદરા મૂળ સુરતના છે.
ઘનશ્યામે કહ્યું કે, હેર સ્ટાઇલિંગ કોમ્પિટીશનમાં ફર્સ્ટ રેન્ક મેળવતા મને ખુબ જ આનંદ થયો છે હું આગળ પણ હંમેશા બ્યુટી ઈન્ડસ્ટ્રીમાં દેશનું નામ રોશન કરતો રહીશ. બ્યુટી ઈન્ડસ્ટ્રી બાબતે આવી અસંખ્ય આંતર રાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન થાય છે. પરંતુ કોઈ કારણોસર બ્યુટી ઈન્ડસ્ટ્રીને પુરતું મહત્વ અને પ્રોત્સાહન મળતું નથી. ભારત દેશએ કલા અને સંસ્કૃતિનો દેશ છે. વિવિધ કલાઓના જાણકાર યુવાઓનો દેશ છે ત્યારે બ્યુટી ઈન્ડસ્ટ્રીને સરકાર દ્વારા પૂરતું પ્રોત્સાહન આપવામાં આવે તો મારા જેવા અસંખ્ય યુવાઓને ખૂબ સારું પ્લેટફોર્મ મળી રહેશે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ મારી જેવા યુવાન ભાઈઓ દેશનું નામ રોશન કરશે.