Rajkot,તા.06
ગુજરાતમાં દિપાવલી બાદ યોજાનારી મહાપાલિકા-જીલ્લા પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી પુર્વે આમ-આદમી પાર્ટીની વધેલી સક્રીયતા વચ્ચે આ પક્ષના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વધુ એક વખત સૌરાષ્ટ્રના પ્રવાસે છે અને તેઓ આજે સાંજે 7.30 કલાકે દિલ્હીથી રાજકોટ પહોંચ્યા બાદ કાલે બપોરે ચોટીલામાં આણંદપુરા રોડ પરના નવા માર્કેટયાર્ડ ખાતે બપોરે 12 વાગ્યે સભા સંબોધશે.
જેમાં ગુજરાતના `આપ’ના પ્રભારી ગોપાલ રાય, ગુજરાત `આપ’ના પ્રદેશ પ્રમુખ ઈમરાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા વિ. હાજર રહેશે.
શ્રી કેજરીવાલ હાલમાં જ કેન્દ્ર દ્વારા કપાસ પરની આયાત જકાત દુર થઈ તેના વિરોધમાં આ સભા યોજી રહ્યા છે. કેન્દ્ર સરકારે અમેરિકી ટેરિફના કારણે ટેક્ષટાઈલ ઉદ્યોગને જે ફટકો પડવા લાગ્યો છે તેમાં રાહત આપવા વિદેશી કપાસ પરની આયાત જકાત દુર કરી છે પણ તેનાથી સ્થાનિક સ્તરે કપાસના ભાવમાં ઘટાડો થતા કપાસ ઉત્પાદક ખેડુતોને ફટકો પડશે અને કેજરીવાલ તે મુદો ઉઠાવશે.
તેઓ આજે સાંજે રાજકોટ પહોંચ્યા બાદ એરપોર્ટથી નજીક જ પ્રભુ ફાર્મ ખાતે જ રાત્રીરોકાણ કરશે અને કાલે સીધા પછી સભામાં પહોંચશે તથા વળતી મુસાફરીમાં પણ તમો આ પ્રભુફાર્મથી દિલ્હી પરત જશે. તેમનું સ્વાગત કરવા રાજકોટ આમ આદમી પાર્ટીએ ખાસ તૈયારી કરી છે.