Ahmedabad, તા.13
શહેરની બહુચર્ચિત અને કુખ્યાત બનેલી ખ્યાતિ હોસ્પિટલમાં થયેલાં બે લોકોના મૃત્યુ બાદ સત્તાવાર રીતે શરૂ કરાયેલી તપાસના અંતે હવે આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) પણ દાખલ થયું છે. આ હોસ્પિટલના કૌભાંડમાં સંડોવાયેલા કેટલાંક આરોપીઓએ મની લોન્ડરિંગ કર્યું હોવાની આશંકાએ ઈડીએ તેઓ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફર્મેશન રિપોર્ટ(ઈસીઆઈઆર) એટલે કે ફરિયાદ નોંધી છે.
ક્રાઈમ બ્રાન્ચના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે ઈડીના અધિકારીઓએ ગુરુવારે રાત્રે તપાસ શરૂ કરી હતી અને ફરિયાદ નોંધી હતી. અમે ખ્યાતિ હોસ્પિટલના વર્ષ 2012 થી 2024 સુધીના તમામ એકાઉન્ટના ઓડિટ રિપોર્ટની નકલ ઈડીના અધિકારીઓને પૂરી પાડી છે. ઈડી આ કેસમાં મની લોન્ડરિંગના મુદ્દાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે એમ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડી હોસ્પિટલે છેલ્લા ત્રણ વર્ષમાં 3800 જેટલા ઓપરેશન હાથ ધર્યા હતા અને સંખ્યાબંધ દર્દીઓની મેડિકલ સારવાર કરી હતી. ગત વર્ષે આ હોસ્પિટલે પીએમજય યોજના અંતર્ગત 1500 લોકોના ઓપરેશન કર્યા હતા તેમ છતાં આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે હોસ્પિટલે ગત વર્ષના ઓડિટ રિપોર્ટમાં હોસ્પિટલને નુકસાન થયું હોવાનું દર્શાવ્યું હતું.
તપાસ કરનારા અધિકારીઓના કહેવા મુજબ આ ઘટના બાદ ઈન્કમટેક્ષ વિભાગની અમદાવાદની કચેરીના અધિકારીઓને પણ જાણ કરી દેવામાં આવી છે અને તેઓ પણ આગામી એક- બે દિવસમાં તેઓની સ્વતંત્ર તપાસ શરૂ કરી શકે છે. બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચે પણ આ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કરાયેલા ઓપરેશન દરમ્યાન અન્ય ચાર લોકોના થયેલા મોતના કેસમાં તપાસ શરૂ કરી દીધી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને અકસ્માતે મોત થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
દર્દી લાવનાર તબીબને દર્દી દીઠ તગડું કમિશન ચેરમેન કાર્તિક પટેલની સહીથી ચૂકવાતું: પોલીસ
જામીન અરજીની સામે કરેલી એફિડેવિટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે, ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ તથા તેના ડાયરેક્ટર્સ ચિરાગ રાજપૂત, ડો.સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી તથા રાહુલ જૈનની બોર્ડ ઓફ ડિરેકટર્સની મંથલી મીટિંગ કાર્તિક પટેલની અમદાવાદ ખાતેની ઓફિસમાં યોજાતી હતી અને મહિનામાં બે વખત રિવ્યુ મીટિંગ યોજાતી હતી.
જેમાં ખ્યાતિ હોસ્પિટલને વધુમાં વધુ આવક થાય તે હેતુસર મેડિક્લ સહાય આપતી સરકારની યોજનાઓના ઓઠા હેઠળ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવા અને વિવિધ પ્રકારના ફ્રી હેલ્થ કેમ્પ યોજવાની ચર્ચા થતી હતી. આરોપીઓ દ્વારા વધુમાં વધુ વ્યક્તિઓને દર્દી તરીકે હોસ્પિટલમાં લાવવાનો ટાસ્ક કાર્તિક પટેલ અને અન્ય સહ આરોપીઓ દ્વારા સોંપવામાં આવતો હતો.
હોસ્પિટલ દ્વારા ઙખઉંઅઢ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ.16.14 કરોડથી વધુની રકમ મેળવાઇ છે. હોસ્પિટલની માર્કેટિંગ ટીમ દ્વારા અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારના જનરલ પ્રેકિટશનર ડોક્ટર્સને દર્દી દીઠ નાણાંનું તગડું કમિશન પણ ચેરમેન કાર્તિક પટેલની સહીથી ચૂકવાતું હતું.
કમાણી કરવા કાર્તિક પટેલ જ ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરાવતો
ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં વિદેશમાં ફરી રહેલા હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી છે. જેની સામે ક્રાઈમ બ્રાન્ચે એફિડેવિટ ફાઇલ કરી એવી રજૂઆત કરી છે કે, કાર્તિકે માર્કેટિંગ ટીમને વધુમાં વધુ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવા તથા આસપાસના ગામડાના વિસ્તારોના ક્લિનિક્સના ડોક્ટર્સનો સંપર્ક કરવા નિર્દેશ આપ્યો હતો.
કાર્તિક પટેલે જ ઙખઉંઅઢ કાર્ડધારક વ્યક્તિઓને મોટી સંખ્યામાં સારવારના બહાને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવા ફરમાન કરતો હતો. ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રીક્ટ જજ કે.એમ.સોજીત્રાએ કાર્તિક પટેલની આગોતરા જામીનની વધુ સુનાવણી 16મી ડિસેમ્બરે રાખી છે.