Ahmedabad,તા,14
ખ્યાતિ હોસ્પિટલમાં સારવારના નામે વેપલો થઈ રહ્યો હતો તે વાત હવે છૂપી નથી રહી, ત્યારે સરકાર ભલે કડક કાર્યવાહીનો દેખાડો કરે પણ સમગ્ર પ્રકરણમાં ઠંડુ પાણી રેડાઈ જશે તે વાત નક્કી છે. ચર્ચા એવી છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં ઉત્તર ગુજરાતના ભાજપના એક મોટા ગજાના નેતાની જ ભાગીદારી છે પરિણામે પીડિતોને ન્યાય મળે તે વાત ગળે ઉતરે તેમ નથી.
સંચાલકના માથે રાજકીય આકાઓનો હાથ?
આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરી પૈસાની લાલચે બે દર્દીઓના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોના માથે રાજકીય આકાઓના આશીર્વાદ રહ્યાં છે તે જગજાહેર છે. હોસ્પિટલના માલિક કાર્તિક પટેલે કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં જ નહીં, શિક્ષણ અને મેડિકલ વ્યવસાયમાં પણ હાથ અજમાવ્યો છે. કાર્તિક પટેલના ભાજપના ટોચના નેતાઓ સાથે નજીકનો સંબંધ રહ્યો છે. ફેસબુક પેજ પર ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ભાજપના નેતાઓ સાથેની તસવીરો પણ હાજર છે.
ભાજપ નેતાની ભાગીદારી
મેડિકલ વ્યસાયિકોમાં ચર્ચા છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં ઉત્તર ગુજરાતના એક ભાજપના નેતાની જ ભાગીદારી છે. આ જોતાં ખ્યાતિ હોસ્પિટલના માલિક- ડિરેક્ટરોને ઉની આંચ નહીં આવે. પોલીસ ફરિયાદ પણ એવી રીતે નોધવામાં આવશે કે ભવિષ્યમાં છટકબારી શોધી શકાય. આ અગાઉ પણ હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટના બની છે, જેમાં પણ દાખલો બેસે તેવી કોઈ કાર્યવાહી થઈ શકી નથી.