ખૈબર પખ્તુનવા જ અલગ થવા માગે છે, તેના આ સાંસદે કહ્યું : કાશ્મીર જનતાને જેની સાથે જવું હોય ત્યાં જવા દો ખોટી મથામણ ન કરો
Islamabad,તા.08
પાકિસ્તાનની સંસદમાં ૬ ઓગસ્ટે એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો. તેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ચાલુ રાખવો જોઇએ. જે આર્ટિકલ ૩૭૦ દૂર કરવાથી ખતમ થઇ ગયો છે. તેટલું જ નહીં પરંતુ સંસદમાં રજૂ કરાયેલા આ પ્રસ્તાવમાં કાશ્મીર અંગે કેટલીયે અર્થહીન માગણીઓ રજૂ કરવામાં આવી હતી તેને લગભગ તમામ સાંસદોએ સમર્થન આપ્યું હતું પરંતુ ખૈબર પખ્તુનવાના વરિષ્ઠ સાંસદ મહમૂદખાન અચકજાઈએ તેનો ઉગ્ર વિરોધ કર્યો. તે ઠરાવમાં કાશ્મીર અંગે જૂનો રાગ ફરી આલાપાતાં કહેવામાં આવ્યું હતું કે : કાશ્મીર પાકિસ્તાનનું જ છે, અમે તેને લઇને જ રહીશું.
મહેમૂદ ખાન અચકઝાઈએ તેનો વિરોધ કર્યો અને પ્રસ્તાવ વિરૂદ્ધ મત પણ આપ્યો. તેઓએ કહ્યું : હું કાશ્મીરના લોકોની આઝાદીનો વિરોધ નથી કરતો, પરંતુ કાશ્મીર અંગે ભારત અને પાકિસ્તાન બંને ખોટું કહી રહ્યા છે. ભારત કહે છે કે કાશ્મીર તેનો ભાગ છે તે પણ યોગ્ય નથી તો બીજી તરફ પાકિસ્તાન પણ કહે છે કે કાશ્મીર અમારૃં છે તે પણ યોગ્ય નથી. કાશ્મીરીઓને જ નક્કી કરવા દો કે તેઓ કોની તરફે જવા માગે છે. જો તેઓ કહે કે અમારે ભારત સાથે જવું છે તો કહી દેવું જોઇએ કે ગુડબાય, જો તેમ કહે કે અમારે પાકિસ્તાન સાથે જોડાવું છે તો કહેવું જોઇએ : વેલકમ કાશ્મીરના લોકોને જે પૂછવું જોઇએ કે તમો કોની સાથે જોડાવા માગો છો. તેઓ જો બેમાંથી એકે દેશ સાથે ન જોડાતાં, સ્વતંત્ર જ રહેવાનું નક્કી કરે તો, તેઓને સ્વતંત્ર રહેવા દેવા જોઇએ. ન તો ભારતે કે ન તો, પાકિસ્તાને તેની ઉપર દાવો કરવો, તે સ્વીકાર્ય બને તેમ નથી.
આ સાથે પાકિસ્તાનની સમવાય તંત્રી સંસદમાં ભારે ધમાલ ધાંધલ શરૂ થઇ ગઇ હતી. તેમાં પણ અચકઝાઈને આગળ બોલવાની ના કહેતાં આ વરિષ્ઠ સાંસદ ભડકી ઉઠયા હતા. તેમણે સ્પીકરને હવાલદાર કહેતાં જણાવ્યું કે તેઓ એક હવાલદાર જેવા છે જે સરકારનાં રક્ષણ માટે દરવાજા ઉપર ઉભા છે.
આ મહમૂદ ખાન અચકઝાઇ ખૈબર પખ્તુનવાના સાંસદ છે. તેઓ પશ્તુન રાષ્ટ્રવાદી છે અને અલગ રાજ્યની માગણીને સમર્થન આપે છે. પખ્તુનવા મિલ્લી આવામી પાર્ટીના અધ્યક્ષ છે. તેઓના પિતા અબ્દુલ સઝદખાન પણ પખ્તુન રાષ્ટ્રવાદી હતા. તેઓની હત્યા કરવામાં આવી તેઓ એકવાર બલુચિસ્તાનમાંથી પણ ચુંટાઈ આવ્યા હતા.