Khambhaliya,તા.5
ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાનના બે બાળકોના અપહરણ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામનગર તાલુકાના હાપા વિસ્તારના મૂળ રહીશ અને હાલ ખંભાળિયામાં રેલવે સ્ટેશન અંડર બ્રિજ ખાતે રહી અને મજૂરી કામ કરતા રાજેશભાઈ રત્નાભાઈ પરમાર નામના 30 વર્ષના બાવરી યુવાનના બે સગીર વયના પુત્રો ગઈકાલે મંગળવારે સવારના સમયે રેલવે સ્ટેશન અંડર બ્રિજ પાસે હતા, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ આ બંને બાળકોને લલચાવી-ફોસલાવીને પિતાના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હોવાનું જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે બાળકોના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે બી.એન.એસ.ની કલમ 137 (2) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.કે. જાદવ દ્વારા હાથ ધરવામાં આવી છે.
બિસ્કીટના પૈસાની માંગણી કરતા ભાણવડના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી
ભાણવડના વેરાડ ગામે રહેતા અને પાનની દુકાન ધરાવતા જીતેન્દ્રભાઈ વશરામભાઈ પરમાર નામના 40 વર્ષના યુવાનની દુકાનમાંથી આ જ ગામના કલ્પેશ ગિરધરભાઈ રાઠોડ નામના શખ્સએ બિસ્કીટ લીધું હોય, આ બિસ્કીટના પૈસાની માંગણી કરતા આરોપી કલ્પેશે ઉશ્કેરાઈને ફરિયાદી જીતેન્દ્રભાઈ પરમારને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપીને ઈજાઓ કર્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
કલ્યાણપુરમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો
કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર હર્ષદ ગામે આવેલી ગૌશાળાની સામેના ભાગે એક રહેણાંક મકાનમાં બેસીને માન્યતા પ્રાપ્ત મેડિકલ ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી અને દવાખાનું ચલાવતા દેવાણંદ રાણાભાઈ કરંગીયા (ઉ.વ. 30, રહે. ભોગાત) ને સ્થાનિક પોલીસે વિવિધ પ્રકારના તબીબી સાધનો, ટેબલેટ, સ્ટેટોસ્થકોપ, સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, તેની સામે બી.એન.એસ. અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
ઓખામાં માછીમાર સામે કાર્યવાહી
ઓખા મંડળમાં મીઠાપુર ખાતે રહેતા સિકંદર અબ્દુલ્લા નારીયા નામના 44 વર્ષના માછીમાર યુવાન દ્વારા માછીમારી માટે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા રિટર્ન ઓપરેશન સેન્ટર બેટના બદલે અન્ય ઓપરેશન સેન્ટર ઓખા ખાતેથી પોલીસે ઝડપી લઇ, તેની સામે ફિશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
ભીમરાણા ગામેથી જુગાર રમતા પાંચ મહિલાઓ ઝડપાયા
ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામેથી પોલીસે જાહેરમાં ગંજીપાના વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા ગીતાબેન મનુભાઈ કાપડી, દક્ષાબેન મનુભાઈ કાપડી, કોમલબેન પ્યારઅલી પોપટિયા, બિંદુબેન મનીષભાઈ સરપદડિયા અને સુશીલાબેન નરભેરામ સરપદડિયાને ઝડપી લઈ, કુલ રૂપિયા 10,270 નો મુદ્દામાલ કબજે કર્યો હતો
ભીમરાણા ગામેથી વિદેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર
ઓખા મંડળના ભીમરાણા વિસ્તારમાંથી એલ.સી.બી. પોલીસે અજીતસિંહ પ્રવિણસિંહ જાડેજાના રહેણાંક મકાનમાંથી રૂ. 25,200 ની કિંમતની વિદેશી દારૂની 21 બોટલ કબજે કરી હતી. જો કે આરોપી અજીતસિંહ પોલીસને હાથ લાગ્યો ન હતો. જે અંગે મીઠાપુર પોલીસમાં ગુનો નોંધાયો છે.

