Surendranagar,તા.11
સાયલા ભાજપમાં આંતરિક જુથવાદ સપાટી પર આવ્યો છે. સાયલા મામલતદાર કચેરીમાં પાણીનાં પ્રશ્નોની સમસ્યા અંગે મંત્રી કુંવરજી બાવળિયાની બેઠકમાં લીંબડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના જુથના હોદ્દેદારો કે કાર્યકરો ફરક્યા ન હતા. જ્યારે બાવળિયા જુથના હોદ્દેદારો હાજર રહ્યાં હતા. એટલું જ નહીં કુંવરજી બાવળિયાની અગાઉની બેઠકમાં પણ કિરીટસિંહ જુથના લોકો ગેરહાજર જોવા મળ્યા છે તેમજ મંત્રીના કાર્યક્રમની સંગઠનને જાણ ન હોવાનો પણ આક્ષેપો થયા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ વઢવાણ તાલુકાનાં ફૂલગ્રામ ખાતે મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં પાણી પુરવઠાનાં સંપ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પીવાનાં પાણીનાં પ્રશ્નોની સમસ્યાના ઉકેલ અંગે સાયલા મામલતદાર કચેરી ખાતે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક પણ યોજી હતી. જેમાં ઉપસ્થિત લોકોનાં વિવિધ પ્રશ્નો, સમસ્યાઓ સાંભળી સાંભળી પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે હૈયાધારણા આપી હતી. આ બેઠકમાં જુદાંજુદાં ગામના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનધિઓ, આગેવાનો, પાણી પુરવઠા વિભાગનાં અધિકારી, કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. પરંતુ સાયલા તાલુકાના ભાજપના સ્થાનિક મહામંત્રી ભરતભાઇ સોનાગ્રા, ભાજપના મહામંત્રી બાબભાઇ ખાચર, ભાજપના તાલુકા પ્રમુખ મુકેશભાઇ કાલિયા સહિતના લીંબડી વિધાનસભાના ધારાસભ્ય ગેરહાજર રહ્યાં હતા. જ્યારે કુંવરજીયા બાવળિયાની ટીમના નાગરભાઇ જેેડિયા સાયલા (તાલુકા પંચાયતના સદસ્યા), પૂર્વ સાયલા એપીએમસીના ચેરમેન ઓગડભાઇ કાલિયા સહિતના હોદ્દેદારો જોવા મળ્યા હતા. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ અવરનવાર કુંવરજી બાવળિયાની બેઠક કે કાર્યક્રમમાં સાયલા સંગઠન ગેરહાજર રહે છે. તેમજ કુંવરજી બાવળિયાના કાર્યક્રમની કોઇ જાણ હોતી નથી.