Mumbai,તા.03
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર કેએલ રાહુલે અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. મેચના બીજા દિવસે તેણે પોતાની 11મી ટેસ્ટ સદી પૂરી કરી છે. ઘરઆંગણે આ તેની બીજી સદી હતી. તેણે 3211 દિવસ પછી ઘરઆંગણે ટેસ્ટ સદી ફટકારી છે. અગાઉ, આ રેકોર્ડ આર. અશ્વિનના નામે હતો, જેમના ઘરઆંગણે બે સદી વચ્ચેનો તફાવત 2655 દિવસ (2013થી 2021 સુધી) હતો. કેપ્ટન શુભમન ગિલે પણ 50 રનની શાનદાર ઇનિંગ રમી અને એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.
રાહુલે પાછલી ઘરેલુ સદી ડિસેમ્બર, 2016માં ચેપોક, ચેન્નઈમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમી હતી. તેણે આશરે નવ વર્ષ બાદ ઘરે ટેસ્ટ સદી ફટકારી હતી. રાહુલે ભારતની પ્રથમ ઈનિંગની 65મી ઓવરમાં રોસ્ટન ચેજના બોલ પર એક રન ફટકારી પોતાની સદી પૂરી કરી હતી. લાંબા સમય બાદ ભારતીય ખેલાડીએ ઘરઆંગણે ટેસ્ટમાં સદી ફટકારી છે. કે.એલ. રાહુલના ચહેરા પર તેની આ ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. સદી ફટકાર્યા બાદ રાહુલે પોતાનું હેલ્મેટ ઉતાર્યું અને ઇન્ડિયા બેજને ચુંબન કર્યું હતું. ત્યારબાદ ખાસ અંદાજમાં ઉજવણી કરી.
રાહુલની ઘરઆંગણે ફટકારવામાં આવેલી બે સદી વચ્ચે 26 ઇનિંગ્સનું અંતર રહ્યું છે. જે ભારતીયોમાં બે ઘરેલુ સદી વચ્ચે ચોથી સૌથી વધુ ઇનિંગ્સ છે. અશ્વિનનું બે ઘરેલુ સદી વચ્ચેનું અંતર 36 ઇનિંગ્સ છે. ત્યારબાદ આ યાદીમાં સૈયદ કિરમાણી અને ચંદુ બોર્ડે બીજા અને ત્રીજા ક્રમે છે.
રાહુલની સદી ઉપરાંત, શુભમન ગિલે પણ એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે કેપ્ટન તરીકે ઘરઆંગણે પોતાની પહેલી અર્ધસદી ફટકારી છે. આ તેનું ડોમેસ્ટિક કેપ્ટનશીપમાં પહેલું મોટું યોગદાન હતું અને ટીમની જીતની અપેક્ષાને મજબૂત બનાવી છે. રાહુલની સદી ઘરઆંગણાના દર્શકો માટે યાદગાર સાબિત થઈ છે, તેણે ટીમ ઇન્ડિયાની તકોને મજબૂત બનાવી. વધુમાં, ગિલની કેપ્ટનશીપ હેઠળ શુભમન ગિલની અર્ધસદી પણ ટીમ માટે આત્મવિશ્વાસ વધારનારી સાબિત થઈ.શુભમન અને રાહુલે 98 રનની ભાગીદારી કરી હતી. વેસ્ટ ઇન્ડીઝે તેની પહેલી ઇનિંગ્સમાં 162 રન બનાવ્યા હતાં. ભારતે વેસ્ટ ઇન્ડીઝ પર લીડ મેળવી છે. મેચનું પરિણામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ભારતે ચાર વિકેટે 230થી વધુ રન બનાવ્યા છે.