Surendranagar, તા.18
માં આદ્યશકિતની ભક્તિ અને આરાધના કરવા માટે વર્ષમાં આવતી ચાર નવરાત્રિ પૈકી આસો મહિનાની નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આગામી 22મી સપ્ટેમ્બરથી નવલા નોરતાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે ઝાલાવાડમાં પણ ગરબે રમવા ખેલૈયાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
નોરતા પૂર્વ બજારોમા રંગબેરંગી સુંદર ભાતવાડા માટીના છિદ્રોવાળા ગરબાનું વેચાણ થતું હોય છે. જે પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરમિયાન ઘેરઘેર માટીના ગરબામાં થોડા ઘઉં મૂકી તેની ઉપર કોડિયું રાખીને તેમાં ઘીનો દીવો પ્રગટાવવાની પરંપરા જોવા મળે છે.
સમય ભલે બદલાયો હોય પરંતુ માટીના ગરબાનું એટલું જ મહત્વ લખતર શહેરમાં આજેય જોવા મળે છે. જેમાં મોટા ભાગના માઇભકતો નવરાત્રિ દરમિયાન ઘટ સ્થાપનમા દેશી ગરબા લેવાનું જ પસંદ કરતા હોય છે. પરંતુ માટીમાંથી ગરબા બનાવવાની પરંપરા જૂની છે તે લુપ્ત થતી જઈ રહી છે. આજની નવી પેઢી ચાકડા ઉપર માટીના ગરબા બનાવાનું ટાળી રહ્યા છે.
ત્યારે નવરાત્રિ પૂર્વ લખતરના કુંભાર શેરીમાં રહેતા 36 કાંઠાના કારીગર કહેવાતા અમરશીભાઈ દેવજીભાઈ લખતરીયાનાં પરિવારના લોકો છેલ્લી પાંચ પેઢીઓથી 64 ક્લામાંથી એક એવી માટીની કલાવારસો જીવંત રાખવા કામગીરી કરી રહ્યા છે.