Rajkot, તા.20
રાજકોટ જીલ્લા કલેકટર કચેરી ખાતે આગામી તા.૨૩ ને શુક્રવારે લેન્ડગ્રેબીંગની બેઠક જીલ્લા કલેકટર પ્રભવ જોશીના અઘ્યક્ષસ્થાને યોજાનાર છે જેમાં ૮૦ જેટલા કેસો સુનાવણી માટે મૂકવામાં આવનાર છે. જે પૈકીના ૨૦ કેસોના અરજદારોને રૂબરૂ સુનાવણી માટે ઉપસ્થિત રહેવા ફરમાન કરવામાં આવેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે કલેકટર કચેરી ખાતે ગત શનિવારે આ લેન્ડગ્રેબીંગની બેઠક આયોજીત કરવામાં આવી હતી પરંતુ સેવા સેતુ કાર્યક્રમને લઈ આ બેઠક મુલત્વી રાખી દેવામાં આવી હતી. જે હવે આગામી તા.૨૩ ને શુક્રવારે યોજવામાં આવનાર છે.
લેન્ડગ્રેબીંગની આ બેઠકમાં સરકારી જમીનો પર પેશકદમી અને પારકી મિલ્કતો પચાવી પાડનારાઓ સામે કાયદાનો શિકંજો કસવામાં આવશે. અહીં એ ઉલ્લેખનીય છે કે લેન્ડગ્રેબીંગની આ બેઠકમાં મોટાભાગના કેસોમાં સમાધાન થઈ જતુ હોય માત્ર જુજ કેસોમાં જ પોલીસ ફરીયાદ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. આગામી આ બેઠકમાં લેન્ડગ્રેબીંગના ૮૦ જેટલા કેસોની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. જેમાં ૨૦ જેટલા અરજદારોને કમીટીના મેમ્બરો દ્વારા રૂબરૂ સાંભળવામાં આવનાર છે.