New Delhi,તા.17
દેશમાં જમીનના તમામ દસ્તાવેજોનું ડિજીટલાઈઝેશન કરીને એક ઈલેકટ્રોનીક ડેટાબેઈઝ મારફત લેન્ડ રેકોર્ડ તૈયાર કરવામાં આવશે. જેમાં જમીનના માલીક તેનો રેકોર્ડ તથા નકશા સહિતનું ક્ષેત્રફળ દર્શાવાશે અને શહેરી તથા ગ્રામીણ જમીનને આવરી લેતાઆ કાર્યના આધારે ભવિષ્યમાં જે તે જમીનના જે કંઈ વેચાણ-ગીરોખત વિ. વ્યવહારો થશે તે સ્પષ્ટરૂપે ઓનલાઈન અપડેટ થશે અને તે સંબંધીત નિહાળી શકશે.
માન્ય રેકોર્ડ પણ મેળવી શકશે. આ માહિતીથી રીયલ-ટાઈમ જમીન રેકોર્ડ જોવા મળી શકશે જેના કારણે હાલ જે કંઈ જમીન સંબંધીત વ્યવહારોમાં ગેરરીતિ કે વિવાદ થાય છે તેને પણ ટાળી શકાશે. આ રેકોર્ડ કિપીંગ માટે એક ખાસ ઓથોરિટી પણ ઉભી કરવામાં આવશે.
સરકાર હવે જે નેકસ્ટ જનરેશન- રીફોર્મ કરવા જઈ રહી છે તેમાં લેન્ડ રીફોર્મને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને દેશમાં જે રીતે જમીનની ઉપલબ્ધતા ઘટી રહી છે તથા તેના વિવાદો પણ વધી રહ્યા છે તે સંદર્ભમાં આ નવી વ્યવસ્થા તેમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવશે અને આર્થિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. લાખો-કરોડો એકર સરકારી અને ખાનગી જમીનો વિવાદમાં સપડાઈ છે અને અદાલતી પ્રક્રિયાનો અંત આવતો નથી.
તે સમયે લેન્ડરેકોર્ડ દેશમાં એક સમાન રીતે ઉપલબ્ધ નથી. જો કે ગુજરાત-મહારાષ્ટ્ર અને તામિલનાડુએ લેન્ડરેકોર્ડનું ડિજીટલાઈઝેશન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હવે કેન્દ્ર સરકારે નવા `નકશા’ પ્રોજેકટ હેઠળ દેશના 160 શહેરોમાં આ પાઈલોટ પ્રોજેકટ અમલી બનાવ્યો છે. જે છ માસમાં પુરો કરવાની સમય મર્યાદા આપવામાં આવી છે અને એક વખત આ પ્રોજેકટ પ્રારંભીક રીતે પુરો થયા બાદ તેના અનુભવના આધારે વધુ શહેરો અને ગ્રામ્ય ક્ષેત્રમાં આગળ ધપાવાશે.
દેશના ગ્રામીણ ક્ષેત્રમાં જમીન રેકોર્ડ ડિજીટલાઈઝેશનની કામગીરી લાંબા સમય પુર્વે શરૂ કરી દેવામાં આવી હતી. જો કે આખરી મેપીંગમાં અનેક વિવાદો છે. દેશમાં 379.29 મિલિયન એકર એટલે કે 99.8% જમીન રેકોર્ડ ગ્રામીણ કક્ષાએ ડિજીટલી ઉપલબ્ધ છે.
જો કે ઉતરપુર્વના અને લદાખ જેવા ક્ષેત્રમાં હજું આ કામગીરી કરવાની બાકી છે. દેશમાં 89.7% રીવન્યુ કોર્ટ અને સબ રજીસ્ટ્રાર ઓફિસનું પણ કોમ્પ્યુટરાઈઝેશન થઈ ગયું છે. હવે દેશભરમાં આ રેકોર્ડને એક જ પ્લેટફોર્મ પર લાવવા રૂા.875 કરોડની ફાળવણી કરી છે.