લેપટોપ્સ, પરસનલ કોમ્પ્યુટર્સ તથા ટેબ્લેટસની અમર્યાદિત આયાતને મંજુરી આપતી વ્યવસ્થાને કેન્દ્ર સરકારે વધુ એક વર્ષ લંબાવી ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ચાલુ રાખી છે. આ વ્યવસ્થા ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના સમાપ્ત થનાર હતી. ઘરઆંગણે હજુ માગ પ્રમાણે પૂરતા પ્રમાણમાં ઉત્પાદન થતું નહીં હોવાનું ધ્યાનમાં રાખી આ નિર્ણય આવી પડયો હોવાનું માનવામાં આવે છે.
ડિરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા જારી કરાયેલા પરિપત્ર પ્રમાણે, આયાતકારો માટે પોર્ટલ ૧૩મી ડિસેમ્બરથી ખૂલશે અને ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી કાર્યરત રહેશે.આયાતકારો અનેકગણી અરજી કરી શકશે. ઓગસ્ટ ૨૦૨૩માં સરકારે લેપટોપ્સ, પરસનલ કોમ્પ્યુટર્સ, ટેબ્લેટસ તથા સંબંધિત અન્ય આઈટેમ્સની મુકત આયાત પર મર્યાદાઓ જાહેર કરી હતી.
ઘરઆંગણેના ઉત્પાદકોને ટેકો પૂરો પાડવાના હેતુ સાથે આ નિર્ણય આવી પડયો હતો પરંતુ તે સામે વિરોધ થતાં નિર્ણય પછીથી બાજુ પર રખાયો હતો અને નવા વર્ષથી અમલી બનવાનો હતો.
ભારતના નિર્ણય સામે આ માલસામાનના વૈશ્વિક ઉત્પાદકો તરફથી પણ વિરોધ ઉઠયો હતો અને પોતાની કામગીરી પર અસર પડશે તેવી ચિંતા વ્યકત કરવામાં આવી હતી. ઘરઆંગણે આ માલસામાનોનું ઉત્પાદન અપેક્ષિત સ્તરે હજુ પહોંચ્યું નથી. લેપટોપ્સ, પરસનલ કોમ્પ્યુટર્સ તથા ટેબ્લેટસની વધુ પડતી આયાત ભારત દ્વારા ચીન ખાતેથી કરવામાં આવે છે. લેપટોપ્સ, ટેબ્લેટસ તથા પરસનલ કોમ્પ્યુટર્સનું દેશમાં બજાર કદ દસ અબજ ડોલર જેટલું છે.
આયાત પર અંકૂશ લવાશે તો દેશના આઈટી હાર્ડવેર ક્ષેત્રની નવરચના જોવા મળી શકે છે, કારણ કે આ ક્ષેત્ર આયાત પર વધુ નિર્ભર છે, એમ ઈલેકટ્રોનિકસ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.