Rajasthan,તા.30
અમેરીકાના ટેરીફ વોર બાદ દુનિયાભરમાં રેર અર્થ મીનરલ અંગે સતત ચિંતા થઈ રહી છે. ખાસ કરીને ચીન આ ક્ષેત્રે મોનોપોલી ધરાવે છે અને હવે દુનિયાના દરેક દેશ તેની ભૂમીમાંથી રેર અર્થ મીનરલ શોધવા માટે પ્રયત્ન કરે છે તે વચ્ચે ભારત માટે એક સારા સમાચાર છે.
ઔદ્યોગીક ઉત્પાદન માટે જરૂરી અને જેને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે તે લીથીયમનો મોટો જથ્થો રાજસ્થાનના નાગોરમાંથી મળી આવતા આગામી સમયમાં તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવા માટે હવે તૈયારી છે.
અહીંના ડેગાના ક્ષેત્રમાં ખનીજ તત્વ તરીકે ઓળખાતા લીથીયમ જે મળી આવ્યું છે તે ભારતની જરૂરીયાતના 70થી 80 ટકા પુરા પાડી શકે છે અને તેથી ચીન ઉપરની નિર્ભરતા ભારત માટે ઘટશે. કેન્દ્ર સરકારના ખાણ અને ખનીજ વિભાગે હવે અહીંથી લીથીયમના ભંડારોને વ્યાપારી રીતે ખોદકામ કરીને બહાર કાઢવા માટે ટેન્ડર સહિતની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ભારતીય ભૂગર્ભ સર્વેક્ષણના મુજબ આ ક્ષેત્રમાં લીથીયમનો 14 મીલીયન ટનનો જથ્થો હોઈ શકે છે અને તેથી ભારત હવે લીથીયમ ક્ષેત્રે આત્મ નિર્ભર બની જશે. આ ખનીજનો ઉપયોગ મુખ્યત્વે વાહનોની બેટરી નિર્માણ, ઈલે.વાહનો અને પરમાણુ ઉર્જાના યંત્રો માટે અત્યંત જરૂરી છે.
ડેગાનાની રેવન્ત પહાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં આ ધાતુ મળી છે. અગાઉ 1914માં ઈલે. કરંટ માટે મહત્વના ટંગસ્ટન પણ મળી આવ્યું હતું. જેનો મોટા ભાગે જોકે બ્રીટીશ શાસને ઉપયોગ કર્યો હતો. અગાઉ નાગોર ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં પણ 5.9 મીલીયન ટન લીથીયમનો જથ્થો મળ્યો હતો.
ખોદકામ પણ કરવામાં આવ્યું છે. કર્ણાટકમાં પણ 14100 ટન આ ધાતુ મળી છે. ગુજરાતમાં પણ આ વ્હાઈટ ગોલ્ડ જમીનમાં ધરબાયેલુ હોય તેવું મનાય છે. ખાસ કરીને દેશમાં મોબાઈલ, લેપટોપ ઈલે.વાહનો રીચાર્જેબલ બેટરીઓનું ઉત્પાદન કરવા માટે આ ધાતુની આવશ્યકતા છે.

