New Delhi, તા.1
જમીનમાલિક અને ડેવલપર દ્વારા સંયુક્ત પ્રોજેકટ હાથ ધરીને કરાતી કેપીટલ ગેઈન ટેકસની ચોરી આવકવેરા વિભાગના ધ્યાને આવી છે અને આ પ્રકારની ટેકસ ચોરી પકડવા માટે દેશભરમાં તવાઈ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે.
આવકવેરા વિભાગના સૂત્રોએ કહ્યું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જમીન માલિક તથા ડેવલોપર સંયુક્ત પ્રોજેકટ હાથ ધરતા હોય છે. બન્નેની ભાગીદારી હોય છે અને તેમાં કેપીટલ ગેઈન ટેકસની ચોરી કરવામાં આવે છે.
માત્ર કોલકતા અને બેંગ્લોરમાં જ આવા 25000થી 30000 કેસ ઓળખાયા છે. જેને પગલે દેશવ્યાપી ઝુંબેશ હાથ ધરવાનુ નકકી કરવામાં આવ્યુ છે. કાયદાનુસાર જમીનમાલિક દ્વારા ડેવલપર સાથેની ભાગીદારીમાં સંયુક્ત પ્રોજેકટ બાંધવામાં આવે.
ત્યારે જમીનની કિંમત પર જમીન માલિકે કેપીટલ ગેઈન ટેકસ ચુકવવો પડે છે. આવતા થોડા દિવસોમાં તવાઈ શરૂ થશે. કેપીટલ ગેઈન ટેકસ વિશે ખુલાસો રજુ કરવા હજારો નોટીસ ઈસ્યુ કરવામાં આવશે.
આવકવેરા વિભાગને એવી શંકા છે કે મોટાભાગના સંયુક્ત પ્રોજેકટમાં કેપીટલ ગેઈન ટેકસ ભરવામાં આવ્યો નથી. નોટીસોના આધારે સ્વૈચ્છીક રીતે જ ટેકસ ચુકવશે.
નોટીસનો ખુલાસો કે ટેકસ નહીં ભરનારા સામે પછી આકરા પગલા લેવાશે. ગત વર્ષના જ આવા વ્યવહાર હોય તો કરદાતા આવકવેરા રિટર્ન સુધારી શકશે. અગાઉના વર્ષના વ્યવહાર હોય તો 25 ટકા વધુ ચુકવવા પડશે.