Gandhinagar,તા.૧૦
વિધાનસભા ગૃહમાં રાજ્યમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે રાજ્યમાં ડિપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમોમાં વર્ષ ર૦ર૪-રપમાં ૧૮૪૭ વિદ્યાર્થીઓને રૂ. ૪.ર૦ કરોડની સહાય અને વર્ષ ર૦રપ-ર૬માં તા.૩૧ ઑગસ્ટ, ર૦રપની સ્થિતિએ ર૭૦૬ વિદ્યાર્થીઓને રૂ. ૬.૦પ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
પાનશેરિયાએ કહ્યું કે “મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શિક્ષણ વિભાગના તા.૦૭/૧૦/૨૦૧૫ના ઠરાવથી અમલમાં આવી છે. જે અન્વયે ધોરણ-૧૦માં ૮૦ ટકા કે તેથી વધુ પર્સેન્ટાઇલ મેળવનારા, વાર્ષિક ૬ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારોના સંતાનોને ડિપ્લોમા ઈજનેરીના અભ્યાસ માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.”
જે અંતર્ગત લાભાર્થી વિદ્યાર્થીને, ડિપ્લોમાના સ્વનિર્ભર અભ્યાસક્રમોની નિયત વાર્ષિક ટ્યુશન ફીની ૫૦ ટકા રકમ અથવા રૂ. ૨૫ હજાર, બેમાંથી જે ઓછું હોય તે દર વર્ષે મળવાપાત્ર થશે. ઉપરાંત, રહેઠાણના તાલુકાથી બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારી કે અનુદાનિત હોસ્ટેલમાં પ્રવેશ ન મળ્યો હોય, તો વર્ષે ૧૦ મહિના માટે માસિક રૂ. ૧૨૦૦/- લેખે ત્રણ વર્ષ માટે રહેવા-જમવા પેટે તેમજ સાધન-પુસ્તક સહાય પેટે પ્રથમ વર્ષે ત્રણ હજાર રૂપિયાની સહાય એક વખત આપવામાં આવે છે.
વધુમાં, મંત્રીશ્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ડિપ્લોમા ઈજનેરી સિવાય મેડિકલ, ટેકનિકલ ડિગ્રી, આયુર્વેદ, ઉચ્ચ શિક્ષણ, નર્સિંગ, વેટરનરી અને એગ્રિકલ્ચર અભ્યાસક્રમોમાં પણ સહાય આપવામાં આવે છે.
જે અંતર્ગત, વર્ષ ૨૦૨૪-૨૫માં ૬૫,૦૫૬ વિદ્યાર્થીઓને રૂ. ૩૬૫.૮૭ કરોડ, જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬માં તા. ૩૧ ઑગસ્ટ, ૨૦૨૫ સુધીમાં ૫૧,૯૩૩ વિદ્યાર્થીઓને રૂ. ૨૫૪.૩૫ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
આ યોજનાના રિન્યૂઅલનો લાભ મેળવવાની લાયકાત વિશે પાનશેરિયાએ કહ્યું કે આ યોજના અંતર્ગત રિન્યૂઅલ સહાય મેળવવા માટે અગાઉના વર્ષે પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦ ટકા માર્ક્સ સાથે ઉત્તીર્ણ અને શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછી ૭૫ ટકા હાજરી હોવી જરૂરી છે.
વધુમાં, ડિપ્લોમા ટુ ડિગ્રીમાં ૬૫ ટકા કરતાં ઓછા ટકા હોય, બે કે વધુ પ્રયાસથી એટીકેટી ક્લિયર કરી ન હોય, મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાની સાથે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સિવાય રાજ્ય સરકારની અન્ય કોઈ યોજનાનો લાભ લીધો હોય, સમય મર્યાદામાં પૂરતા ડોક્યુમેન્ટ રજૂ કર્યા ન હોય, સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હોય, ટ્યુશન ફી વેઇવરમાં એડમિશન મળ્યું હોય અથવા ફેક દસ્તાવેજો અપલોડ કર્યા હોય તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી તેમ તેમણે ઉમેર્યું હતું.