Rajkot. તા.26
રાજકોટના નાકરાવાડીમાં મોડી રાતે બઘડાટી બોલી ગઈ હતી. જૂની અદાવતનો ખાર રાખી ઇમિટેશનના ધંધાર્થી પિતા-પુત્ર પર ધારીયા સહિતના હથિયારથી હુમલો કરતાં તેઓને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ છ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ આદરી હતી.
બનાવ અંગે રાજકોટના નાકરાવાડીમાં રહેતાં રાહુલભાઇ ઉર્ફે કડવો ભાવસિંગભાઈ દંતેસરીયા (ઉ.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંજય ચતુર સોલંકી (રહે. શૂકલ પીપળીયા, રાજકોટ), બેચરભાઈ કોળી (રહે. પોપટપરા) અને ચાર અજાણ્યાં શખ્સોના નામ આપતાં કુવાડવા રોડ પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ઇમિટેશનની મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ બે ભાઈ તથા એક બહેન છે. ગઈકાલ સાંજના અગ્યારેક વાગ્યે તેઓ પરીવાર સાથે સુતા હતા તે દરમિયાન આજ રાત્રિના આશરે 12/30 વાગ્યે અચાનક જોરથી દેકારોનો અવાજ આવતા રૂમનો દરવાજો ખોલતા બાજુના ગામ સુકલ પીપળીયા ગામનો સંજય સોલંકી જેમના હાથમાં ધાર્યું હતું અને પોપટપરામાં રહેતો બેચર કોળી હાથમાં લોખંડનો પાઇપ અને બીજા ચાર અજાણ્યા શખ્સો લાકડાનો ધોકો તથા સોડાની કાચની બોટલ સાથે ઘસી આવી ગાળો બોલતા હતા.
તેઓ કાંઈ સમજે તે પહેલા અજાણ્યા શખ્સો ફરીયાદી ઉપર કાચની બોટલનો ઘા કરતા કપાળના ભાગે લાગતા લોહી નીકળવા લાગેલ હતું. જેથી તેઓ ગભરાઈ જતા રૂમમાં અંદર જતો રહેલ અને દરવાજો બંધ કરી દિધેલ હતો. જેથી તેઓએ રૂમની બારીમાંથી દેકારો કરતા અન્ય પરીવારજનો દોડી આવતાં તે શખ્સો જતા રહેલા હતા.
જેથી તેઓ રૂમનો દરવાજો ખોલી બહાર આવતા તેના પિતા લોહી લુહાણ હાલતમાં પડેલ હતા. બનાવ બાબતે પૂછતા જણાવેલ કે, શુકલ પીપળીયા ગામમાં સંજય સોલંકીને ભાદરવી અગિયારસે બોલાચાલી ઝઘડો થયેલ હતો અને એક માસ પહેલા સમાધાન પણ થઈ ગયેલ હતું. જેનો ખાર રાખી આરોપીઓ ઘરે ઘસી ગાળો આપી તેના હાથમાં રહેલ લોખંડના ધાર્યાથી હુમલો કર્યો હતો.
તેમજ આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકાથી ઢોર મારમારી નાસી છૂટ્યા હતાં. બાદમાં ફરીયાદી અને તેના પિતાને 108 મારફત સારવારમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.