આધુનિક ભારતીય સમાજની રહેણીકરણીમાં ધરમૂળથી ફેરફાર થઈ રહ્યા છે. લોકમાનસ લોલકની જેમ આધુનિકતા અને બીજા છેડે જૂના પુર્નઉત્થાન થતા રિવાજો વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. દા.ત. એક આધુનિક કપલ ઘર બનાવે છે, તો તેમાં આધુનિકતાના દ્રષ્ટાંતરુપે બાર પણ રાખે છે અને બીજી બાજુ ગૃહિણી વાસ્તુશાસ્ત્રીને બોલાવી ઘરનું પ્રવેશદ્વાર, રસોડુ, સુવાની વ્યવસ્થા વગેરેની ચકાસણી પણ કરાવી લે છે. ખાસ કરીને ધાર્મિક બાબતમાં સ્ત્રીઓને વધારે હઠાગ્રહ હોય છે. ધર્મને આધુનિકતા સાથે સાંકળવામાં સ્ત્રીઓનો ઘણો ફાળો છે.
અત્યાર સુધી દેવી, દેવતાઓ પૂજાખંડ સુધી જ સીમીત હતા બહુ તો દીવાળી કાર્ડમાં તેમની છબીઓ જોવા મળતી છેલ્લા પાંચ વર્ષમાં સ્પીરીચ્યુઅલ જ્વેલરીમાં તેમને સ્થાન મળ્યું સ્ત્રીઓના આભૂષણોમાં ખાસ કરીને લૄના જુદા જુદા સ્વરુપો, ગણેશજી, શ્રીનાથજી, વિષ્ણુ વગેરે પહેરવાની ફેશન આવી છેલ્લા બે વર્ષોમાં ભારતીય ડીઝાઇનરોએ મહિલાઓના પોશાકમાં આ શૈલી વણી લીધી ટી-શર્ટ, સલવાર કમીઝ, દુપટ્ટાઓ પર દેવી-દેવતાઓની પ્રિન્ટ ચાલુ કરી જે ફેશન પશ્ચિમના દેશોમાં ખૂબ પ્રચલિત બની છે. છેલ્લી આધુનિક શૈલી પ્રમાણે બની રહ્યું છે સ્પીરીચ્યુઅલ ફર્નિચર.
ગૃહિણી માટે ગૃહસુશોભન એ રસનો વિષય છે મોટાભાગની ગૃહિણીઓને ઘરમાં વિવિધ વસ્તુઓ વસાવવાનો અનહદ શોખ હોય છે. ગૃહ એક એવી સીમા છે જ્યાં મોટેભાગે સ્ત્રીઓની હકુમત ચાલે છે. પુરુષપ્રધાન સમાજ હોવા છતાં ઓછા પુરુષોનું ઘરની વસ્તુઓની ખરીદી અને ગૃહસજાવટમાં ચલણ હોય છે. લક્ષ્મી જે ઘરમાં આવ્યા પછી ધરની ગૃહલક્ષ્મી જ તેનો વહીવટ કરે છે.
ઘરના ઇન્ટીરીયર ડેકોરેશનમાં એક નવી જ શૈલીને ઓપ આપવામાં આવ્યો છે. ફર્નિચરની પસંદગી અને ગોઠવણી તદ્દન લેટેસ્ટ સ્ટાઇલથી શરુ થઈ છે. સામાન્ય રીતે આપણામાં માન્યતા છે કે દિવાળીના દિવસો દરમ્યાન સુઘડ અને સ્વચ્છ ઘરમાં લક્ષ્મીજીનો પ્રવેશ થાય છે, તે પ્રકાશ ફેલાવે છે અને ધન અને ઐશ્વર્યની પ્રસાદી આપે છે. આ માન્યતાને કોમર્શ્યલ ટચ આપવામાં આવ્યો છે. સ્પીરીચ્યુઅલ જ્વેલરી, સ્પીરીચ્યુઅલ ડ્રેસીસ અને હવે નવી લાઇફ સ્ટાઇલમાં સ્પીરીચ્યુઅલ ફર્નિચરનો ઉમેરો થયો છે. મેગા સીટીની ગૃહિણીઓમાં આ ફેશન-સ્ટાઇલ પ્રિય બની રહી છે.
લક્ષ્મીજીનું મુખારવિંદ, વાહન કળશ અને કમળ એમ ત્રણે પ્રતીકોને આધુનિક શૈલીમાં વણી લીધા છે આજકાલ ચાલતા નરમ લોખંડ અને કાચના ફર્નિચરની સ્ટાઇલમાં તેનો ઉપયોગ થયો છે. લક્ષ્મીજીને ધન આપનાર દેવી માનવામાં આવે છે સાથે પ્રકાશ પાથરનાર દેવી પણ મનાય છે. આથી ઘણી જગ્યાએ લોખંડને આકાર આપી સોનેરી રંગનો ઢોળ ચઢાવ્યો છે. આ ફર્નિચરમાં ડાઇનીંગ ટેબલથી માંડી કોફી ટેબલ અને પૂજાની બાજઠ સુધીનું ફર્નિચરમાં વિવિધતા જોવા મળે છે.
શિક્ષણના ફેલાવાએ સ્ત્રીઓ માટે વિવિધ ક્ષેત્રોના પ્રવેશદ્વાર ખોલી નાંખ્યા છે. સ્ત્રીઓના પાયાના ગુણ ચીવટ અને રચનાત્મક અભિગમમાં શિક્ષણે ચાર ચાંદ લગાવ્યા છે. તેમાં ઘણાં ક્ષેત્રો એવા છે જેમાં સ્ત્રીઓ કુશળ વહીવટકાર સાબિત થઈ છે. ઇન્ટીરીયર ડેકોરેશન પણ તેમાંનું એક ક્ષેત્ર છે.
આ આધુનિક ફર્નિચરની શૈલીમાં દીવ્ય અરીસો છે જેનો ડ્રેસીંગ ટેબલ, પાવડરરુમ, બાથરુમ વગેરેમાં ઉપયોગ કરી શકાય છે. તેમાં કમળની પાંદડીઓ બંને બાજુએ વચ્ચે અરીસામાં અને ઉપર માતાજીનું મુખ બનાવવામાં આવે છે જેથી ગૃહિણી માતાજીના દર્શન કરીને દિવસની શરુઆત કરી શકે અને શૃંગાર કરતી વખતે પણ અરીસામાં માતાજીનું પ્રતિબિંબ જોઈ શકે. બીજી બનાવટમાં લક્ષ્મી ખુરશીઓ બનાવવામાં આવી છે. જેમાં ટેકની જગ્યાએ કમળ, ઉપર કળશ અને છેક ઉપર ઓમની ડિઝાઇન બનાવવામાં આવી છે આ આરામ ખુરશીની બનાવટ એવી છે કે જાણે ગૃહિણી શવાસન કરતી હોય તેટલી આરામદાયક છે.
સ્ત્રીઓની ધાર્મિક વૃત્તિને ધ્યાનમાં રાખી પૂજાના રુમ માટેનું ખાસ બાજઠ અને ચૌકી બનાવવામાં આવ્યા છે આ બાજઠ કે ચૌકી પર બેસી પદ્માસન વાળી શકાય તેવી વ્યવસ્થા છે. તેમાં કમળની દાંડી અને પાંદડીના આકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોટા ભાગની સ્ત્રીઓ દિવસના વ્યસ્ત કામકાજમાંથી સમય કાઢીને પૂજા તો કરે જ છે ખાસ કરીને આ પ્રકારની ફર્નિચર શૈલી મધ્ય વયસ્ક સ્ત્રીઓને વધારે અનુકૂળ આવે છે. આ બાબત સ્પીરીચ્યુઅલ ફર્નિચરમાં ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે. ત્રીજી બાબતમાં લક્ષ્મીજી જ્યારે આરામ કરે છે ત્યારે છુટ્ટાકેશ સાથે બેઠા હોય તે રીતની આરામ ખુરશી બનાવવામાં આવી છે જેના પર ગૃહકાર્ય પતાવી મહિલા સહેજ આડેપડખે થઈ શકે છે.
લક્ષ્મીજીનું વાહન કળશ છે આથી કોફી ટેબલ અને ડાઇનીંગ ટેબલની રચના એ રીતે કરેલી છે તે શૈલીમાં નીચેના ભાગને કળશનો આકાર આપવામાં આવે છે. ઉપરનું કાચનું ગોળ ટેબલ ટોપ મૂકાય છે અને મહિલાઓ ડાઇનીંગ ટેબલ તરીકે પણ ઉપયોગ કરી શકે છે. નાનુ કુટુંબ તેના પર આરામથી સમાઈ શકે છે.
સ્પીરીચ્યુઅલ ફર્નિચર શૈલીમાં બે પ્રકારના ફાયદા રહે છે તેમાં દિવસે ફૂલાવર પોટ મૂકી શોભા કરી શકાય છે, રાઇટીંગ ટેબલ તરીકે તેનો ઉપયોગ થઈ શકે છે. આ ફર્નિચરને લૂછવાનો સાફ કરવાનો પ્રશ્ન રહેતો નથી. કોરો કકડો મારવાથી તે ચકચકિત થઈ જાય છે. સ્ત્રીઓ માટે આ આવકાર્ય પગલું છે જેમાં ખાસ સ્ત્રી દૈવી શકિતનો અને સ્ત્રી આરામદાયક પરિસ્થિતને ધ્યાનમાં રાખી સ્પીરીચ્યુઅલ ફર્નિચર બનાવવામાં આવે છે. વસ્ત્રો, ધરેણાં, ગૃહસાધનો અને હવે ફર્નિચરમાં પણ હવે ધાર્મિક દેવદેવીઓના પ્રતીકો યોજવામાં આવે છે તે દર્શાવે છે કે માણસના શાંતિ અને સુખના ફાંફા ઓછા થયા નથી. ૨૦મી સદીથી વિજ્ઞાને હરણફાળ ભરવા માંડી છે. એક બાજુ વિજ્ઞાન માણસને છેક અવકાશ સુધી લઈ ગયો છે તો બીજી બાજુ ટી.વી. કાઁમ્પ્યુટર જેવા ઇલેકટ્રીક સાધનો દ્વારા ધરતી પર પણ અનેક સિદ્ધિઓ માણસને આપી છે હવે તેને વીંટી, માળા, એરીંગ, ખુરશી ટેબલ દ્વારા પણ સુખ-શાંતિ જોઈએ છે. ભૌતિક સુખની દોડમાં આ રીતે પણ તે ઈશ્વર તરફ વળેલો રહે તે ખોટું નથી.