Kolkata,તા.07
દેશમાં મૃત્યુદંડની સજા હોવી જોઈએ કે નહી તે અંગે અનેક વખત વિવાદ સર્જાય છે. વિશ્વના અનેક દેશો આ સજા રદ કરી ચૂકયા છે તે સમયે કોલકતા હાઈકોર્ટ એક ચૂકાદામાં 22 વર્ષના યુવાનની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં પલટાવતા એક મહત્વના વિધાનમાં જણાવ્યુ કે, ‘કાનૂન લોહી તરસ્યો નથી’ અથવા મોતના બદલામાં મોત એ કાયમ ન્યાય હોઈ શકે નહી.
હાઈકોર્ટ કાનૂનના મુળભૂત સિદ્ધાંતને પણ આગળ ધપાવતા કહ્યું કે, સજાનો અર્થ વ્યક્તિને સુધરવાની તક આપવાનો છે બદલો લેવાનો નથી. કોલકતા હાઈકોર્ટની જલપાઈગુરી સર્કિટ બેન્ચ દ્વારા 2023માં લુંટના પ્રયાસ સમયે 22 વર્ષના મેહતાબ કોર્ટે આફતાબને ફાંસીની સજા કરી હતી જેની હત્યા થઈ તે કૌટુંબિક કાકાએ જ આફતાબને તેના પિતાના મૃત્યુ બાદ સાથે રાખીને મોટો કર્યો હતો.
કોર્ટે તેની પણ નોંધ લેતા કહ્યું કે, આ તો દગાખોરી પણ છે પણ બાદમાં હાઈકોર્ટમાં આ ફાંસીની સજા મંજુરી માટે જતા ન્યાયમૂર્તિ સવ્યસાચી ભટ્ટાચાર્ય તથા ઉદયકુમારની ખંડપીઠે તેના 47 પાનાના ચૂકાદામાં ટ્રાયલ કોર્ટની મૃત્યુદંડની સજા રદ કરતા જણાવ્યું કે, ટ્રાયલ કોર્ટ વાસ્તવિકતા કરતા લાગણીમાં વધુ ચાલી ગઈ છે અને આ પ્રકારનો ચૂકાદો આપ્યો છે.
ફાંસીની સજા કે મૃત્યુદંડમાં ‘રેરેસ્ટ ઓફ રેર’નો જે માપદંડ છે તે આ કેસમાં લાગુ થયો નથી. હાલમાં જે રીતે જેલ શબ્દને બદલે ‘કારાવાસ’નો ઉપયોગ થાય છે અને તેનાથી પણ આગળ વધીને ‘સુધારણા ગૃહ’ કહેવાય છે તે દર્શાવે છે કે કાનૂનમાં વધુ સિવિલાઈઝવ- સભ્યતા ભર્યા સમાજનું નિર્માણ કરવાનો હેતુ છે. તેઓ તેને લોહી તરસ્યો કે બદલાની ભાવના મુજબ ગણી શકો નહી. આપણે અપરાધને ચિકકારવાનો છે અને અપરાધને નહી.
આ કેસમાં આફતાબ પુખ્ત વયનો થયા બાદ તે દિલ્હી ચાલ્યો ગયો હતો અને તેના કાકા સાથે રહેતો ન હતો. તેથી અહી વિશ્વાસ ભંગ કે દગાખોરીનો સિદ્ધાંત લાગુ કરી શકાય નહી અને ટ્રાયલ કોર્ટે તેના પર આધાર રાખ્યો છે જેમાં કોઈ પુરાવા નથી.
અપરાધના સમયે તે લાંબા સમયથી કુટુંબથી અલગ હતો. આફતાબે તેના કાકાની ચાકુના ઘા મારી હત્યા કરી હતી. કાકીની પણ હત્યા કરવા પ્રયાસ કર્યો પણ તે બચી ગયા હતા તે લુંટના ઈરાદે અન્ય પાંચ સગીરો સાથે કાકાના ઘરે પહોંચ્યો હતો.
હાઈકોર્ટે જણાવ્યું કે આફતાબ હત્યા કરવાના ઈરાદે આવ્યો ન હતો. તેણે પોતાના જ આધારકાર્ડથી એક હોટેલમાં રૂમ મેળવ્યો હતો તે રીઢો અપરાધી પણ નથી તે લુંટ કરવા આવ્યો અને હત્યા કરી બેઠો હતો જે પ્રોફેશનલ લુંટારુ નથી તે સાબીત કરે છે.