Telangana તા.1
તેલંગાણા હાઈકોર્ટના એક વરિષ્ઠ મહિલા જજ સામે તેલંગાણા હાઈકોર્ટ એડવોકેટસ એસોસીએશનના વકીલો નારાજ છે. એસોસીએશને જસ્ટીસ ભટ્ટાચાર્યની બદલી માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રપતિને પત્ર લખવાનો ફેસલો કર્યો છે.
રિપોર્ટ મુજબ જસ્ટીસ મૌસમી ભટ્ટાચાર્ય વકીલો વ્યવસ્થિત અંગ્રેજી ન બોલી શકવાના કારણે જાહેરમાં તેમનું અપમાન કરી નાખે છે અને દંડ ફટકારી દે છે.
વકીલો જણાવે છે કે તેલંગાણા હાઈકોર્ટમાં ચાર્જ સંભાળ્યા બાદ જ જસ્ટિસ મૌસમી ભટ્ટાચાર્યે વકીલો સાથે અપમાનજનક વર્તાવ ચાલુ રાખ્યો છે.
તેલંગાણા હાઈકોર્ટ એડવોકેટસ એસોસીએશનના વકીલોએ આરોપ લગાવ્યો છે કે, જજ બારના અનેક સભ્યોને નીચા દેખાડે છે. ઠીક તૈયારી ન કરવા બદલ કે અંગ્રેજી ન બોલી શકવાની સ્થિતિમાં વકીલોને અપમાનીત કરે છે. આ સિવાય તે કંઈપણ દંડ ફટકારી દે છે.
જુનિયર વકીલોને તો તેમની સાથે કેસ રજુ કરવો મુશ્કેલ બની ગયો છે. ટીએચસીએએના એક સભ્યે જણાવ્યું હતું કે, અનેક વરિષ્ઠ વકીલોએ આ મામલે જજને રજુઆત કરેલી અને તેમણે વર્તનમાં સુધારો કરશે તેવુ વચન આપેલુ પણ તેમણે વકીલોનું અપમાન કરવું ચાલુ રાખ્યુ છે. આ જજ ગમે ત્યારે કંઈપણ મામલે વકીલોને દંડ પણ ફટકારી દે છે.