સામાકાંઠા વિસ્તારના બ્રાહ્મણીયા પરામા પત્નીની હત્યામા પતિને આજીવન કેદ સામે હાઇકોર્ટમા દાદ માંગી હતી
Rajkot,તા.23
શહેરના સામા કાંઠા વિસ્તારના બ્રાહ્મણીયા પરાના પત્નીની હત્યાના 11 વર્ષ પહેલાના બહુચર્ચિત કેસમાં આજીવન કેદના હુકમ સામેની હાઇકોર્ટમાં દાખલ કરેલી અપીલના કામે આરોપી વકીલ પતિ મુકેશ વ્યાસની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે મંજૂર કરી છે. આરોપીને 11 વર્ષના જેલવાસ બાદ જામીન મળ્યા છે.
આ કેસની હકીકત પ્રમાણે સને 2014ના આ બનાવમાં મૃતક શિલ્પાબેનના પિતા મહેશ વાઘેલાએ જમાઈ વકીલ મુકેશ વ્યાસ સામે નોંધાવેલી ફરિયાદમાં પોતાની દીકરી પતિ મુકેશ પાસે ઘર ખર્ચના પૈસા માંગતા હોય, તે આપવાને બદલે તે દાગીના વેંચી નાખવાનું કહેતા હોય જે દાગીના વેચવાની ના પાડતા મુકેશે પોતાની પત્ની સાથે માથાકૂટ બાબતે બ્રાહ્મણીયા પરામાં આવેલ મકાન ખાતે મોઢા ઉપર પ્લાસ્ટિકની પટ્ટી બાંધી તથા બંને હાથ બાંધી દઈ ગુંગળાવીને મારી નાખીને મોત નિપજાવેલ અને પુરાવાનો નાશ કરેલ હોય તેવા આરોપસર બી ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ શહેર સમક્ષ ફરિયાદ નોંધાવેલ, જે અંતર્ગત બંનેની ધરપકડ અને ધોરણસરની કાર્યવાહી, તપાસના અંતે બંને આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થતા રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ ખૂનના ગુના અને પુરાવાનો નાશ કરવા સબબ તહોમતનામા બાદ ટ્રાયલ દરમિયાન 28 જેટલા સાક્ષીઓની જુબાની તથા 151 જેટલા દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને અંતે ટ્રાયલ કોર્ટ દ્વારા 2022ની સાલમાં બંને આરોપીઓને તકસીરવાર ઠરાવીને આજીવન કારાવાસની સજા અને રૂપિયા એક લાખનો દંડ કરતો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. દરમિયાન જેલમાં રહેલા વકીલ મુકેશ વ્યાસે ૨૦૨૩માં સજા વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પોતાના વકીલ મારફત અપીલ દાખલ કરીને જામીન અરજી રજૂ કરી હતી. જે જામીન અરજી તાજેતરમાં બોર્ડ ઉપર આવતા સુનાવણી દરમિયાન વકીલ મુકેશ વ્યાસના એડવોકેટ જીગ્નેશ એલ હજારે દ્વારા કરવામાં આવેલ દલીલો અને સાંયોગીક પુરાવાના કેસને લગતા કાયદાના વિવિધ પ્રબંધો, ભારતીય પુરાવાના કાયદાના વિવિધ પ્રબંધો તથા સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ તથા કેસની યોગ્ય હકીકતો અને રજૂઆતોને ધ્યાને લઈને ગુજરાત હાઇકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા મુખ્ય આરોપી વકીલ મુકેશભાઈ વ્યાસના અપીલ ચાલતા દરમ્યાન જામીન 11 વર્ષના જેલવાસ બાદ મંજૂર કર્યા છે. આ કેસમાં આરોપી વકીલ મુકેશભાઈ વ્યાસ વતી અમદાવાદના એડવોકેટ જીગ્નેશ એલ હજારે, રાજકોટના રાજેશ બી ચાવડા, હેમાબેન સોલંકી, મન ડોડીયા, અભિષેક વોરા, સીમરન ગોડ, સોના પટેલ, પ્રભાબેન સુણા, જીગ્નેશ યાદવ, નયના ગઢવી તથા પ્રતીક પરમાર વિગેરે રોકાયા હતા

