Rajkotતા.28
રાજકોટ સહિત રાજયભરના મહેસુલી કર્મચારીઓએ વિવિધ અણઉકેલ પ્રશ્નો સબબ આંદોલનનું શસ્ત્ર ઉગામી આગામી તા.30મીને બુધવારના માસ સી.એલ.પર જનાર છે જે અંતર્ગત આજે કર્મચારીઓ દ્વારા રજા રિપોર્ટ મૂકી દેવાયા છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર-જિલ્લામાં 390 સહિત રાજયમાં મહેસુલી કર્મચારીઓનું 3800 જેટલું સંખ્યાબળ છે છેલ્લા લાંબા સમયથી આ મહેસુલી કર્મચારીઓના પ્રશ્નો અધ્ધરતાલ લટકી રહ્યા છે.જેમાં બદલીમાં અન્યાય ખાલી જગ્યાઓ ભરવા, પ્રમોશનમાં વિસંગતતા સહિતના પ્રશ્નોનો સમાવેશ થાય છે.
મહેસુલી કર્મચારીઓના આ અણઉકેલ પ્રશ્નો અંગે અગાઉ મહેસુલી કર્મચારી મંડળ દ્વારા રાજય સરકારમાં અનેક વખત રજુઆત કરવામાં આવેલ હતી.પરંતુ કર્મચારીઓના આ પ્રશ્નો ઉકેલવા માટે હજૂ સુધી કોઈપણ જાતની કાર્યવાહી હાથ નહીં ધરાતા કર્મચારીઓ દ્વારા આગામી તા.30ને બુધવારે માસ સી.એલ.પર જવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
જે અંતર્ગત રેવન્યુ કર્મચારીઓ દ્વારા આજે પોતપોતાની કચેરીઓમાં અધિકારીઓને રજા રિપોર્ટ આપી દેવામાં આવેલ હતાં.રેવન્યુ કર્મચારીઓ માસ સીએલ પર જતા બુધવારે મહેસુલી કચેરીઓમાં કામકાજ ખોરવાયા જવાની શકયતા રહેલી છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા મહેસુલી કર્મચારીઓની આગમટે કરાયેલ બદલી આડેધડ રીતે કર્મચારીઓને વિશ્વાસમાં લીધા વગર કરાયાની ફરિયાદ ઉઠી હતી.તેમજ મહેસુલ વિભાગના કર્મચારીઓને બઢતી આપવાના નિયમમાં વિસંગતતા રહેલી રહેલી કર્મચારીઓ અન્યાયનો ભોગ બની રહ્યા છે.
મહેસુલ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં પણ તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે.મહેસુલી કર્મચારી યુનિયનના હોદ્દેદારોએ આ અંગે જણાવ્યું હતું કે મહેસુલી કર્મચારીઓના લાંબા સમયથી અણઉખેલ રહેલા પ્રશ્નો અંગે રાજય સરકારમાં સહીત રજુઆત કરવામાં આવેલ છે.તેમ છતા તેનું કોઈ પરિણામ હાંસલ થયેલ નથી જેના પગલે મહેસુલી કર્મચારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
આ સવાલ રાજકોટ સહિત રાજયભર મહેસુલી કર્મચારીઓ તા.30ને બુધવારે માસ સી.એલ.પર ઉતરી લડતના મંડાણ કરનાર છે. આવતીકાલે ભગવાન પરશુરામની જન્મજયંતિની જાહેર રજા હોય આજે જ કર્મચારીઓએ બુધવારની માસ.સી.એલના રિપોર્ટ અધિકારીઓને સમક્ષ મૂકી દીધા હતાં.