Mumbai,તા.6
દેશમાં માત્ર થોડા લોકો જ શેર, મ્યુચ્યુઅલ ફંડ્સ, બોન્ડ્સ, આરઈઆઈટી અને આઈએનવીઆઈટી જેવી સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. માર્કેટ રેગ્યુલેટર સેબી અને મ્યુચ્યુઅલ ફંડ બોડી એમ્ફી દ્વારા દેશનાં 400 શહેરોમાં હાથ ધરવામાં આવેલાં સર્વેક્ષણ મુજબ, માત્ર 10 ટકા ભારતીય પરિવારો શેરબજાર સાથે જોડાયેલી સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે.
એવું નથી કે લોકો આ રોકાણના વિકલ્પોથી વાકેફ નથી, 63 ટકા લોકો બજારથી સંબંધિત ઓછામાં ઓછા એક ઉત્પાદનથી વાકેફ છે, પરંતુ તેમાંથી ફક્ત 9.5 ટકા રોકાણ કરે છે. માત્ર 15 ટકા શહેરી લોકો અને 6 ટકા ગ્રામીણ લોકો તેમાં રોકાણ કરે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સની જટિલતા, નુકસાનનો ડર, વિશ્વાસનો અભાવ અને મર્યાદિત નાણાકીય સાક્ષરતાને કારણે લોકો રોકાણથી દૂર રહે છે.
કઈ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે ?
મ્યુચ્યુઅલ ફંડ્સ 6.7 ટકા ભારતીયો
શેર 5.3 ટકા ભારતીયો
ફ્યુચર એન્ડ ઓપ્શન 1 ટકા કરતા ઓછા
કોર્પોરેટ બોન્ડ 0.8 ટકા
રીટ- ઈનવિટ 0.4 ટકા
ઊંચું વળતર નહીં, મૂડી સુરક્ષા પ્રાથમિકતા
સર્વેક્ષણ દર્શાવે છે કે 80 ટકા લોકો ઓછા જોખમવાળા ઉત્પાદનો પર વિશ્વાસ કરે છે અને ઊંચા વળતર કરતાં મૂડીની સલામતીને પસંદ કરે છે. તેથી બેંકો, એફડી, સોના, ચાંદી અને પ્રોપર્ટી (લેન્ડ-ફ્લેટ્સ)માં રોકાણ વધારે કરવામાં આવે છે. શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલને કારણે હાલનાં 40 ટકા રોકાણકારોએ છેલ્લાં એક વર્ષમાં કોઈ રોકાણ કર્યું નથી.
79 ટકા જનરલ-ઝેડ પરિવારોએ પણ પોતાને ઇક્વિટીથી દૂર રાખ્યાં હતાં. રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું છે કે વર્તમાન રોકાણકારોમાંથી માત્ર 36 ટકા સિક્યોરિટીઝ માર્કેટની સારી સમજ ધરાવે છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં નાણાકીય સાક્ષરતા વધી છે, પરંતુ રોકાણ કરવાની હિંમત અને જોખમ લેવાની આદત હજી પણ મર્યાદિત છે.
રોકાણકારોની જોખમની ક્ષમતા
79.7 ટકા જોખમ લેવા માંગતાં નથી
14.7 ટકા મધ્યમ જોખમ લેવા તૈયાર
5.6 ટકા ઊંચા વળતર માટે જોખમ લેવા તૈયાર
આ તસવીર ભારતનાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં લોકો દ્વારા શેરબજારમાં કરવામાં આવેલાં રોકાણની ટકાવારી દર્શાવે છે. તેની માહિતી નીચે મુજબ છેઃ
શેરબજારમાં વિવિધ પ્રદેશનું રોકાણ
1. દિલ્હી – 20.7 ટકા
2. આંદામાન અને નિકોબાર ટાપુઓ – 17.1 ટકા
3. મહારાષ્ટ્ર – 17 ટકા
4. ગોવા – 15.5 ટકા
5. ગુજરાત – 15.4 ટકા
6. રાજસ્થાન – 8.24 ટકા
માત્ર 15 ટકા શહેરી પરિવારો અને માત્ર 6 ટકા ગ્રામીણ પરિવારોએ સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ, ઇટીએફ વગેરેમાં રોકાણ કર્યું છે.
♦ 80 ટકા લોકો હજી પણ ઓછા જોખમવાળા ઉત્પાદનો પર વિશ્વાસ કરે છે, આ લોકો ઉચ્ચ વળતર કરતાં મૂડીના રક્ષણને પસંદ કરે છે.
♦ બજારમાં ઉથલપાથલને જોતા હાલનાં 40 ટકા રોકાણકારોએ છેલ્લાં એક વર્ષમાં કોઈ રોકાણ કર્યું નથી.