Washington,તા.27
વેનેઝુએલાને રાષ્ટ્રપતિ ટ્રમ્પે મોટો ઝટકો આપ્યો છે. જે મુજબ તેલ કાઢવા અને નિકાસ કરવાને લઈને પરમીટ રદ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી હતી કે ઉર્જા ક્ષેત્રની દિગ્ગજ કંપની શેવરોન કોર્પોરેશનને વેનેઝુએલાથી તેલ કાઢવા અને નિકાસ કરવાની મંજૂરી આપતી અમેરિકા સરકારની પરમીટ પણ સમાપ્ત કરી દેવામાં આવશે.
ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ નેટવર્ક પર જાહેરાત કરતા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની સરકાર ગત વર્ષ જુલાઈમાં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે લોકતાંત્રિક શરતોને પૂરી નહી કરવા અને દેશ નિકાલ માટે તૈયાર વેનેઝુએલાના ઈમિગ્રન્ટ્સને પરત મોકલવા માટે પૂરતી ઝડપથી પગલા ન ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે.
ટ્રમ્પે લખ્યું- અમે તેલ લેવડ-દેવડ સમજૂતી પર વેનેઝુએલાના નિકોલસ માદુરોને જે રાહતો આપી હતી તે અમે પાછી ખેંચી લઈ રહ્યા છીએ. ટ્રમ્પની પોસ્ટમાં ખાસ કરીને કેલિફોર્નિયા સ્થિત શેવરોનનો ઉલ્લેખ નહોતો. કે પરમિટનો ઉલ્લેખ નહોતો. જેને ઔપચારિક રીતે સામાન્ય લાયસન્સ તરીકે ઓળખવામાં આવે છે.
આ લાયસન્સ કંપનીને આર્થીક પ્રતિબંધોથી છુટ આપે છે અને તેને અમેરિકામાં વેનેઝુએલાના તેલની નિકાસ અને વેચાણની મંજૂરી આપે છે. પણ આ વેનેઝુએલા સાથે સંબંધ રાખનાર એક માત્ર લાયસન્સ છે જેના જાહેર થવા અને નવીનીકરણની જાણકારીએ તારીખો સાથે મેળ ખાય છે, જેનો ઉલ્લેખ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં કર્યો હતો.