Ahmedabad,, તા.25
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કેટલાક દિવસોથી સાર્વત્રિક વરસાદની ગેરહાજરી છે અને છુટોછવાયો હળવો-મધ્યમ વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજુ માસાંત સુધી આવી જ પરિસ્થિતિ રહેવાની સંભાવના છે.જોકે ગુજરાત રિજીયનમાં વરસાદનો વ્યાપ વધુ હશે. પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા ભાગોમાં હળવો-મધ્યમ જ વરસાદ રહેવાની સંભાવના જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે દર્શાવી છે.
તેઓએ આજે વાતચીતમાં તા.31 જુલાઇ સુધીની આગાહીમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટા ભાગના દિવસો દરમ્યાન 10 થી 3પ મીલીમીટર સુધી હળવોથી મધ્યમ વરસાદ પડવાની શકયતા છે. જયારે અમુક દિવસોમાં વરસાદનો વ્યાપ થોડો વધુ રહેશેે.
અમુક સીમીત વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. સમગ્ર આગાહીના અઠવાડિયા દરમ્યાન સરેરાશ રપ થી પ0 મીલીમીટર તથા ભારે વરસાદના સંજોગોમાં 100 મીમીથી વધુ વરસાદ શકય છે.
ગુજરાત રિજીયનમાં જોકે વરસાદનો વ્યાપ વધુ રહેવાની સંભાવના છે. મોટા ભાગે 10 થી 35 મીમીનો હળવો- મધ્યમ વરસાદ રહેશે. જયારે છુટાછવાયા વિસ્તારોમાં 35 થી 50 મીમી તથા અમુક સીમીત ભાગોમાં ભારે વરસાદની શકયતા છે. અઠવાડિયા દરમ્યાન કુલ વરસાદ 50 થી 100 મીમી તથા ભારે વરસાદવાળા અમુક સેન્ટરમાં 200 મીમીથી પણ વધુ વરસાદ થઇ શકે છે.
હવામાનના પરિબળો વિશે તેઓએ જણાવ્યું હતું કે, ઉત્તર બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલમાર્ક લોપ્રેસર મજબુત બનીને ડિપ્રેશનમાં રૂપાંતરીત થયું છે. તે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તથા સંબંધીત પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કાંઠાળ ભાગોમાં કેન્દ્રીત હતું. આ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને ગેંગેટીક પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓરીસ્સા તથા ઝારખંડ તરફ પહોંચવાની સંભાવના છે.
મોન્સુન ટ્રફ લુધીયાણા, બરેલી, ગોરખપુર, પાટણ, બાકુરા થઇને ડિપ્રેશનના કેન્દ્ર સુધી પહોંચે છે. એક અપરએર સાયકલોનિક સરકર્યુલેશન (યુએસઇ) ઓડિસા તથા તેને લાગુ છત્તીસગઢ વિસ્તારમાં 5.8 કિ.મી.ની ઉંચાઇએ છે.
એક ટ્રફ મરાઠાવાળાથી ઉપરોકત યુએસઇ તરફ ચાલે છે અને તે પણ 5.8 કિ.મી.ની ઉંચાઇએ છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયકલોનિક સરકર્યુલેશન સ્વરૂપે જમ્મુ-કાશ્મીર તથા આસપાસના વિસ્તારોમાં 3.1થી 5.8 કિ.મી.ની ઉંચાઇએ છે.
અન્ય એક યુએસઇ ઉત્તર-પશ્ચિમ-ઉત્તરપ્રદેશ તથા નજીકના વિસ્તારોમાં 3.1 કિ.મી.ની ઉંચાઇએ ફેલાયેલું છે. મહારાષ્ટ્ર, કેરળના દરિયાકાંઠે સમુદ્રીતટ પર આવેલું ઓફશોર ટ્રફ યથાવત છે. તેઓએ જણાવ્યું હતું કે, આગાહીના સમયગાળા દરમ્યાન અરબી સમુદ્રના પવનો ઉત્તરની ધરી તરફ જતા હોવાથી પવનની ઝડપ વધવાની શકયતા છે અને 25 થી 45 કિ.મી.ની ઝડપે પવન ફુંકાઇ શકે છે.
એક વિશાળ યુએસઇ બે દિવસ સિસ્ટમથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન તરફ વિસ્તરશે અને તેની અસરે ઉત્તર ગુજરાત તથા ગુજરાત રિજીયનમાં ફાયદો થશે. જોકે રાજયમાં ભેજના પ્રમાણમાં મોટો તફાવત રહ્યો છે. પશ્ચિમ કરતા પૂર્વ બાજુ ભેજનું પ્રમાણ વધારે માલુમ પડી રહ્યું છે.