Mumbai,તા.10
કાશ્મીરની ઘાટી જેટલી સુંદર છે તેટલા જ ઘા તેને તેની અંદર દબાવીને રાખ્યાં છે. પછી તે આતંકવાદનો પડછાયો હોય, માસૂમ બાળકોને પથ્થરબાજ બનાવવાની વાત હોય કે પછી વર્ષો પહેલાં કાશ્મીરી પંડિતોનું પલાયન.
બારામુલ્લા એક સંવેદનશીલ ફિલ્મ છે જે કાશ્મીરના આ ઘા પર મલમ સમાન છે. કાશ્મીર પર આર્ટિકલ 370 બનાવનાર આદિત્ય ધર અને દિગ્દર્શક આદિત્ય સુહાસ જાંભાલ દ્વારા નિર્મિત આ અલૌકિક ક્રાઇમ થ્રિલર ખીણમાં બાળકોનું બ્રેઇનવોશ કરીને તેમને આતંકના માર્ગે ધકેલવાના મુદ્દાથી શરૂ થાય છે અને 90ના દાયકામાં કાશ્મીરી પંડિતો પર થયેલાં અત્યાચારો સાથે જોડાય છે.
વાર્તાની શરૂઆત બારામુલ્લાના પૂર્વ ધારાસભ્યના નિર્દોષ પુત્રના ગુમ થવાથી થાય છે. ડીએસપી રિદવાન સૈયદ શફી (માનવ કૌલ) તેની પત્ની ગુલનાર (ભાષા સુમ્બલી), પુત્રી નૂરી (અરિસ્તા મહેતા) અને પુત્ર અયાન (રોહન સિંહ) સાથે કેસ હલ કરવા માટે બારામુલ્લા પહોંચે છે.
રિદવાન આ કેસની તપાસ કરી રહ્યો છે, ત્યારે ઘણાં વધુ શાળાનાં બાળકો ધોળા દિવસે ગુમ થઈ જાય છે. અહીં, જે ઘરમાં રિદવાન અને તેનો પરિવાર રહે છે, ત્યાં ગુલનાર અને તેના બાળકોને વિચિત્ર પડછાયાઓ જોવા મળે છે. અવાજો સંભળાય છે, જેનાં પર રિદવાનને વિશ્વાસ નથી. રિદવાનને ભૂતકાળમાં પણ અકસ્માત થયો છે, જેના કારણે તેની પુત્રી સાથેના તેના સંબંધો સામાન્ય નથી.
હવે આ પડછાયો કોણ છે અને બાળકોના ગાયબ થવા સાથે તેમનો શું સંબંધ છે? આ ફિલ્મ જોઈને ખબર પડશે. 2016 માં સેટ, આ વાર્તા રસપ્રદ છે, પરંતુ ધીમે ધીમે ખુલે છે. દિગ્દર્શક અને સહ-લેખક આદિત્ય શહેરમાં અને રિદવાનના ઘરમાં બનતી ઘટનાઓને સ્થાપિત કરવામાં ઘણો સમય લે છે.
આ કારણે શરૂઆતમાં સ્ક્રીનપ્લે જટિલ લાગે છે, પરંતુ જેમ જેમ ઘરનાં પડછાયાનું રહસ્ય બહાર આવે છે, ભૂતકાળ અને વર્તમાનના તમામ રહસ્યો એકબીજા સાથે જોડાય જાય છે જે તમને આશ્ચર્યચકિત અને ભાવનાત્મક બંને બનાવે છે.
ખાસ કરીને ક્લાઈમેક્સની છેલ્લી અડધી કલાક ખૂબ જ અસરકારક છે. તે તમને આઘાત આપે છે અને ઘણો શ્રેય ડીઓપી આર્નોલ્ડ ફર્નાન્ડિઝ અને સંપાદક શિવકુમાર વી પેનિકરને પણ જાય છે.
આર્નોલ્ડની સિનેમેટોગ્રાફી અને શિવકુમારનું એડિટિંગ ઉત્તમ છે. બારામુલ્લાના પ્રતીક સફેદ ટ્યૂલિપ્સ અને ધર્મના નામે ખોવાયેલા બાળપણના રૂપકનો પણ સુંદર ઉપયોગ કરવામાં આવે છે. એક્ટિંગની વાત કરીએ તો તમામ કલાકારોએ નેચરલ એક્ટિંગ કરી છે. માનવ, ભાષા અને બાળકો બધાએ તેમનાં પાત્રોને સત્ય સાથે રજૂ કર્યા છે.
શા માટે ફિલ્મ જોવી જોઈએ ? જો તમે કોઈ અલગ પ્રકારની સુપરનેચરલ થ્રિલર જોવા માંગતા હો તો આ ફિલ્મ તમારા માટે છે.
રેટિંગ : 5 માંથી 3 સ્ટાર
દિગ્દર્શક : આદિત્ય સુહાસ જાંભલે
કલાકાર : માનવ કૌલ, ભાષા સુમ્બલી, અરિસ્તા મહેતા, રોહન સિંહ, મીર સરવર વગેરે.
સ્ટ્રીમિંગ સાઇટ : નેટફ્લિક્સ
સમયગાળો : 1 કલાક 52 મિનિટ
શૈલી : હોરર, ક્રાઇમ થ્રિલર,

