Mehsana,તા.22
ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ રેલીનો આજથી પ્રારંભ કરાયો. પરિવર્તનના શંખનાદ સાથે કોંગ્રેસની જન આક્રોશ રેલી કાઢવામાં આવી. ૧૧૦૦ કિ.મી.ના ભ્રમણમાં સમગ્ર ઉત્તર ગુજરાતની જનતાના આક્રોશને વાચા આપવામાં આવશે. ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા ગુજરાતની મહિલાઓ પણ બિહારની જેમ ખાતામાં ૧૦ હજાર રૂપિયા આવે તેવી માંગ કરી છે.
યાત્રાના પ્રસ્થાન પર કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું કે, પાવન ભુમિ પરથી કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાની શરૂઆત કરી છે. ગુજરાતમાં કરોડો લોકો મૂળભૂત સુવિધાથી વંચિત છે. બિહારમાં મહિલાઓને ૧૦ હજાર રૂપિયા આપવામાં આવ્યા છે. તો ગુજરાતમાં પણ મહિલાઓને ૧૦ હજાર રૂપિયા આપવા જોઈએ. સરકાર કુંભકર્ણ ઊંઘમાંથી નહીં જાગે તો અમે એમને ઉખાડી ફેંકીશું.
મુકુલ વાસનિકે કહ્યું કે, જ્યાં સુધી આ કુંભકર્ણની ઉંઘમાં રહેલી સરકાર જાગશે નહીં ત્યાં સુધી કોંગ્રેસનો જન સંઘર્ષ ચાલતો રહેશે. ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, પણ પાયાની સમસ્યાઓ જૈસે થે છે. ૧૧ વર્ષથી નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી છે પણ ખેડૂતોને આપેલા વચનો પુરા થતા નથી. મોંઘવારી અને મજુરીના દર વધે છે પણ ખેડૂતોને ઉત્પાદનના પુરતા ભાવ નથી મળતા. કુદરતી આપદામા ખેડૂતોના પાકને નુકસાન થાય છે, પણ તેને વળતર નથી મળતું. જ્યારે ચુંટણી આવે અને શાસક પક્ષના નેતાઓ આવે ત્યારે તેમને અટકાવીને પુછવુ કે કેમ ખેડૂતોને આપેલા વચનો પુરા થયા નથી? બિહારની મહિલાઓને ૧૦ હજાર રૂપિયા આપ્યા એ એક પ્રમાણે પ્રલોભન અને લાંચ હતી. જો કે ચુંટણી પંચે તેની સામે આંખ આડા કાન કર્યા. બિહારની ચુંટણી ભાજપ અને જોડીયુ જીત્યા છે હવે તેઓ વચન ભંગ કરશે. ગુજરાતમાં મહિલાઓ અને બાળકો કુપોષિત છે. ગેની બેન પર માત્ર બનાસકાંઠા અને ગુજરાત જ નહીં બંધારણમાં માનનાર તમામ લોકોને ભરોસો છે. ગેની બેનના જીતવા માટે બંધારણ માટે લડનારને ટેકો મળ્યો. તમને અભિનંદન કે ગેની બેન જેવી મજબુત મહિલાને વિજય બનાવી.
તો ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી સુભાષિની યાદવે કહ્યું કે, બિહારમાં ચુંટણી સમયને મહિલાઓને ૧૦ હજાર રૂપિયા આપ્યા. હવે ફરી ક્યારે રૂપિયા આપશે તે નક્કી નથી. ગુજરાતની મહિલાઓને કેટલા રૂપિયા મળ્યા? ગુજરાતની મહિલાઓને તો મોમેરું મળવું જોઇએ. ગુજરાતથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા છે .
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જનતાએ એનડીએને બહુમતી આપી છે. આ જીત માટે વિવિધ નિષ્ણાતો અલગ અલગ કારણો આપી રહ્યા છે, જેમાં બિહાર સરકારે ચૂંટણી પહેલા એક યોજના હેઠળ મહિલાઓના ખાતામાં ૧૦,૦૦૦ જમા કરાવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર સરકારની મહત્વાકાંક્ષી “મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના” એક બટન દબાવીને શરૂ કરી. ગામડાંઓ અને શહેરોની મહિલાઓને તેમના ખાતામાં ૧૦,૦૦૦ જમા કરાવવાની જાહેરાત કરતો સંદેશ મળ્યો
તો યાત્રાની શરૂઆત સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પણ કહ્યું કે, ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ છે. ૫૦ હજારના નુકસાન સામે વીઘે ૩૫૦૦ નું પડીકું સરકારે આપ્યું. બિહારની બહેનોને એમના ખાતામાં ૧૦ હજાર મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ મહિલાઓને રૂપિયા અપાય છે. પરંતુ ગુજરાતની મહિલાઓને ભાજપ સરકાર ઠેંગો બતાવે છે.

