Ahmedabad,તા.3
એશિયાઈ સિંહોની વસતી ધરાવતાં એકમાત્ર ગીર અભ્યારણ્યમાં આગામી 10 થી 13 મેના ચાર દિવસ સાવજોની વસતી ગણતરી થવાની છે ત્યારે પ્રથમ વખત તેમાં સમગ્ર સૌરાષ્ટ્ર તથા કેન્દ્ર શાસીત પ્રદેશ દીવને પણ આવરી લેવામાં આવનાર છે.વન વિભાગે સૌરાષ્ટ્રનાં અર્ધોઅર્ધ વિસ્તારોને સિંહોને રહેઠાણ વિસ્તાર ઘોષિત કર્યો છે. ત્યારે વસતી ગણતરીમાં તમામ 11 જીલ્લાને સામેલ કરાયા છે.
ગીર અભ્યારણ્યમાં છેલ્લે 2020 માં સિંહોની વસતી ગણતરી થઈ હતી. 674 સિંહો હોવાનું જાહેર થયુ હતું. 2015 માં 523 ની સરખામણીએ સંખ્યામાં 28.87 ટકાનો વધારો માલુમ પડયો હતો. આ કવાયતમાં સૌરાષ્ટ્રનાં 9 જીલ્લાનાં 30,000 ચોરસ કીમીનાં વિસ્તારને આવરી લેવાયો હતો.
વન વિભાગના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે વસતી ગણતરીમાં માત્ર સિંહોની સંખ્યાની જ ગણના થતી નથી પરંતુ તેઓની મુવીમેન્ટ પેટર્ન, નર છે કે માદા, તેમની ઉંમર, ઓળખચિન્હ જેવા પાસાઓને પણ ગણતરીમાં લેવાય છે 3000 જેટલા વેલેન્ટીયર્સ તથા અધિકારીઓ તેમાં સામેલ થશે.હાઈ રિવોલ્યુશન કેમેરા, રેડીયો કોલર્સ, મોબાઈલ એપ સહિતની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે.
અધિકારીઓનાં કહેવા પ્રમાણે માત્ર બે દાયકામાં સિંહોનો વસવાટ વિસ્તાર 13000 ચોરસ કીમીથી વધીને, 3500 ની ચોરસ કીમીનો થયો છે.સિંહોની વસ્તી 359 થી વધીને 674 થઈ છે. 2020 પછીનાં છેલ્લા પાંચ વર્ષમાં સિંહો રાજકોટ શહેરની ભાગોળે તથા જામનગર જીલ્લામાં પણ જોવા મળ્યા છે.
આ સિવાય પોરબંદરનાં માધવપુરા વિસ્તારમાં પણ દેખાયા છે તેનાં આધારે સિંહોએ અભ્યારણ સિવાયનાં ભાગોમાં પણ કબ્જો મેળવવાનું શરૂ કર્યાના સંકેત છે.
માર્ગમાં આવતા પૂલ પણ સિહો પાર કરી લેતા હોવાનું માલુમ પડયુ હતું. બરડા અભ્યારણ્ય પણ શરૂ કરાયું છે. એકપણ સિંહ ગણતરીમાંથી બહાર ન રહી જાય તે માટે દેવભૂમિ દ્વારકાનો પણ સમાવેશ કરાયો છે.
ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન નેચરે એક તબકકે વિશ્વ સ્તરે સિંહો નામશેષ થવાનો ખતરો દર્શાવ્યો હતો. પરંતુ ગીર અભ્યારણ્યમાં વધતી વસતી આશાનું કિરણ છે. આ વખતની વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા 900 થી વધુ રહેવાનો આશાવાદ છે.