Surendranagar,તા.05
સાયલા તાલુકાના વાંટાવછ ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ૪૨ દિવસમાં ત્રીજીવાર દરોડો પાડયો છે. દારૂના કટિંગ સમયે જ એજન્સી ત્રાટકતાં બુટલેગરો નાસભાગ મચી ગઇ હતી. પોલીસે ૧.૧૯ કરોડનો દારૂની ૧૦,૩૬૩ બોટલ, વાહનો, રોકડ, ઘઉની બોરીઓ સહિત ૧.૬૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે હરિયાણાના બે શખ્સોને ઝડપી પાડયા છે. આ મામલે પોલીસે ૩૩ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
પોલીસ વર્તુળોમાં ચાલતો ગણગણાટ અને લોકમુખે ચાલતી ચર્ચા અનુસાર દરોડા દરમિયાન એસએમસીના કર્મીઓ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બુટલેગરોએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી નાસી છુટયા હતા. જોકે, એસએમસીના અધિકારીઓને જ્યારે આ અંગે પૃછા કરતા તેમને પથ્થરમારો કે ઘર્ષણ થયું હોવાની વાતને નકારી કાઢી હતી.
સાયલા તાલુકામાં ૨૩મી માર્ચના રોજ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સાયલા વખતપરના પાટિયા પાસેથી તિરંગા હોટલ પાસેથી ૨૩.૧૬ લાખની કિંમતનું ૩૦,૦૯૦ લિટર કેમિકલ જપ્ત કર્યું હતું. ત્યાર બાદ સાયલા તાલુકાના ઢાંકણીયાની સીમમાં એસએમસીની ટીમે ૨૯મી એપ્રિલના રોજ દરોડા પાડી રૂ. ૭૮ લાખનો દારૂ, ટ્રક, પીકઅપવાન સહિતનો રૂ.૧.૩૧ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા દેવેન્દ્ર બોરીચા ડેન્ડુ ઉર્ફેની ૨૭મી એપ્રિલ ૨૦૨૫ના રોજ એલીસીબીએ પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદ સાબરમતી જેલમાં ધકેેલી દીધો હતો. આજે દારૂના કટિંગમાં મુખ્ય આરોપી તરીકે દેવેન્દ્ર બોરીચાનું નામ ખુલ્યું છે ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે પાસા હેઠળ જેલમાં બંધ આરોપી સાત દિવસમાં કેવી રીતે બહાર આવી ગયો. સામાન્ય રીતે આરોપીને પાસા થાય ત્યારે ત્રણ મહિના બાદ કમિટિ બેસે ત્યારે રજૂઆતના આધારે આરોપીને છોડવો કે નહીં તેનો નિર્ણય લેવાતો હોય છે. જ્યારે આ કેસમાં આરોપી સાત દિવસમાં જેલમાંથી બહાર કેવી રીતે આવી ગયો તે શંકા ઉપજાવે છે.
સાયલા પોલીસ સ્ટેશનની હદમાં એસએમસીની ટીમે મહિનાની અંદર બે વખત દરોડા પાડી કેમિકલ અને દારૂની કટિંગ ઝડપી પાડતા રેન્જ આઇજીએ ૨ જી એપ્રિલના રોજ સાયલ પોલીસ સ્ટેશનના નવ પોલીસ કર્મીની બદલી કરી છે જ્યારે મહિલા પી.એસ.આઇ. એમ.કે. પરમારને સસ્પેન્ડ કરવામાં આવતા સાયલા પોલીસ સ્ટેશન ધણીધોરી વગરનું બની ગયું છે.
એસએમસીની ટીમે સ્થળ પરથી દારૂની કુલ ૧૦,૩૬૩ બોટલ (કિં.રૂ.૧,૧૯,૫૯,૯૦૦) ટ્રક, પીકઅપ, અને કાર (કુ.કિં. ૪૦ લાખ) તેમજ રોકડ રૂપિયા (૬૫૦૦) ઢોરને ચારો આપવાની ઘઉંની ૨૮૫ થેલીઓ (કુ.કિં.૧,૪૨,૫૦૦) સહિત રૂ.૧,૬૧,૦૮,૯૦૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. એસએમસીની તપાસ દરમિયાન આરોપીઓએ પશુચારાની આડમાં દારૂ ઘુસાડયો હોવાનું જાણવા મળ્યું હતું. દરોડા દરમિયાન રિતેશ ડાગર (રહે.હરિયાણા), પંકજ ડાગર (રહે.હરિયાણા)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી દેવેન્દ્ર બોરીચા (રહે. સુદામડા), દશરથસિંહ ઝાલા (રહે. સુદામડા), છત્રપાલ (પીકઅપ ગાડીનો ડ્રાઇવર અને તેનો માલિક), ટ્રક માલિક, એક કાર ચાલક અને બે અજાણ્યા, તેમજ અન્ય કાર અને ત્રણ અજાણ્યા, અન્ય થાર કારચાલક અને બે અજાણ્યા, અન્ય સ્વિફ્ટ કારનો માલિક, બ્લેક ટોયેટા કારનો માલિક, બ્લેક કલરની મહેન્દ્ર થારનો માલિક, તેમજ મુખ્ય આરોપી દેવેન્દ્ર બોરીચાના ૧૦ જેટલા અજાણ્યા વ્યક્તિઓ, દારૂનો જથ્થો ભરી આપી જનાર સોની પંજાબ ખાટે, તેમજ સોનુ પંજાબ ખાતેથી ઝડપાયેલા ટ્રકનો જથ્થો મોકલનાર મુખ્ય સપ્લાયર સહિત કુલ ૩૧ લોકો નાસી જનાર તેમજ દરોડા દરમિયાન ઝડપાઈ જનાર બે શખ્સ સહિત કુલ ૩૩ લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.
સાયલા તાલુકાના વાંટાવછ ગામની સીમમાં દારૂનું કટિંગ ચાલતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડો પાડયો હતો. એસએમસીની ટીમ ત્રાટકી ત્યારે દારૂ ભરેલી ટ્રકમાંથી પીકઅપ વાનમાં કટિંગ કરી દારૂ ભરવામાં આવતો હતો. એસએમસીના દરોડાના પગલે બુટલેગરોમાં નાસભાગ મચી હતી.