Surendranagar, તા.28
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત ચોટીલા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે પીપરાળી ગામની સીમમાંથી 15.78 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને એક લક્ઝરી કાર જપ્ત કરી છે.
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) અને ચોટીલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એસ.એસ. ભદોરીયાની સૂચનાથી, પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. સોલંકી દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી હતી.
રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એન. ગળચર અને હેડ કોન્સ્ટેબલ વિહાભાઈ છગનભાઈ મેણીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ચોટીલા તાલુકાના પીપરાળી ગામની સીમમાં, નાની મોરસલ-પીપરાળી રોડ પર આવેલી સરકારી પડતર જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી એક મારૂતિ સુઝુકી બે્રઝા કાર (GJ-03-JR-7773) અને ખુલ્લી જગ્યામાંથી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કુલ 15,78,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 750 MLની 660 વિદેશી દારૂની બોટલો (કિંમત 8,58,000), 180 MLની 2208 વિદેશી દારૂની બોટલો (કિંમત 2,20,800) અને એક મારૂતિ સુઝુકી બે્રઝા કાર (કિંમત 5,00,000)નો સમાવેશ થાય છે.
દરોડા દરમિયાન કોઈ આરોપી સ્થળ પર હાજર મળ્યો ન હતો. પોલીસે કારના માલિક અને તપાસમાં જેમના નામ ખુલે તે તમામ વિરૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં પી.આઈ. જે.એન. સોલંકી, પી.એસ.આઈ. બી.એન. ગળચર, હેડ કોન્સ્ટેબલ વિહાભાઈ મેણીયા, રાલાભાઈ હણ, વલ્લભભાઈ ખટાણા, આલાભાઈ રોજીયા, નરેન્દ્રસિંહ પરમાર અને સરદારસિંહ બારડ સહિતના પોલીસ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

