Jetpur. તા.7
જેતપુરના ચારણસમઢીયાળા ગામે બે મકાનમાંથી રૂ.5.40 લાખનો દારૂ પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી. બુટલેગર કૃપાલસિંહ પરમારે પોતાના અને બાજુમાં આવેલ કાકાના મકાનમાં ખાતરના બાચકામાં દારૂ છુપાવ્યો હતો, જો કે, આરોપી નાસી છૂટતાં જેતપુર તાલુકા પોલીસે શોધખોળ આદરી હતી.
દરોડાની વિગત મુજબ, જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ એ.એમ.હેરમાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ભુરાભાઇ માલીવાડ, ભીમાભાઈ ગંભીર, વિપુલભાઈ મારૂ, હેડ કોન્સ્ટેબલ મનેશભાઈ જોગરાદિયા અને કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ વાઘેલા સહિતના સ્ટાફને ચારણસમઢીયાળા ગામે કૃપાલસિંહ દિલુભા પરમારએ પોતાના રહેણાંક મકાને તથા તેની બાજુમા તેના કાકા સુરૂભા જીવુભા પરમાર તથા વજેસિંહ જીવુભા પરમારના રહેણાંક મકાનમા ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડતાં બાતમીના સ્થળે મકાનમાં તપાસ કરતા સુરૂભા જીવુભા પરમારના મકાનમાંથી ખાતરના બાચકાઓમા ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલ.
વજેસિંહ જીવુભા પરમારનું મકાન બંધ હાલતમાં હોય જેનું તાળુ તોડી તપાસ કરતા મકાનના રૂમમા તથા રસોડામા ખાતરના બાચકાઓમા ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા હાજર મહિલાને દારૂ બાબતે પૂછતા તેને જણાવેલ કે, તેનો દિકરો ક્રિપાલસિંહ રાત્રીના સમયે પોતે આ દારૂ લાવી અહિ બંધ મકાનમાં તથા દિયર સુરૂભાના મકાનમાં સંતાળેલ છે.
જેથી પોલીસનો ટીમે અલગ અલગ બ્રાન્ડની 1060 બોટલ વિદેશી દારૂ રૂ.5.40 લાખનો મુદામાલ કબ્જે કરી દારૂનો જથ્થો રાખનાર કૃપાલસિંહ દિલુભા પરમારની શોધખોળ હાથ ધરી છે.

