Rajkot, તા.20
રાજકોટ જીલ્લામાં ૭૦ થી વધુ હિજરતી મિલ્કતો પડતર હાલતમાં છે આ મિલ્કતોનુ લીસ્ટ કલેકટર તંત્ર દ્વારા મુંબઈના કસ્ટોડીયન ઓફ એનીમી પ્રોપર્ટી તંત્રને મોકલી દેવામાં આવેલ છે. અહીંએ ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જીલ્લામાં આવેલી આવી હિજરતી મિલ્કતો અંગે કલેકટર તંત્ર દ્વારા સર્વે કરવામાં આવેલ હતો. તેમજ મુંબઈના કોસ્ટોડીયન ઓફ એનીમી પ્રોપર્ટી તંત્રના અધિકારીઓએ પણ રાજકોટ આવી આ અંગેનો રિપોર્ટ કલેકટર તંત્ર પાસેથી મેળવેલ હતો. કલેકટર તંત્રના સુત્રોએ આ અંગે જણાવ્યું હતુ કે રાજકોટ જીલ્લમાં ૭૦ થી વધુ આવી હિજરત મિલ્કતો આવેલી છે જે હાલ પડતર હાલતમાં છે.
આ મિલ્કતોમાં સૌથી વધુ ૪૫ જેટલી મિલ્કતો જેતપુર શહેરમાં આવેલી છે ઉપરાંત ગોંડલ, ઉપલેટા, ધોરાજી સહિતના તાલુકાઓમાં પણ હિજરતી મિલ્કતો આવેલી છે. કલેકટર તંત્ર દ્વારા આ હિજરતી મિલ્કતો અંગેનુ લીસ્ટ મુંબઈના કસ્ટોડીયન ઓફ એનીમી પ્રોપર્ટી તંત્રને મોકલી દેવામાં આવેલ છે.
અગાઉ જીલ્લામાં રહેલી આ હિજરતી મિલ્કતોના મામલે મુંબઈના કસ્ટોડીયન ઓફ એનીમી તંત્ર દ્વારા જીલ્લા કલેકટર સહિતના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ આયોજીત કરવામાં આવી હતી.