તું કેમ મને મળવા આવતો નથી કહી બુટલેગર મહાજનની રીક્ષાચાલકને ધમકી
Rajkot,તા.04
તું મને કેમ મળવા આવતો નથી, હું તને શોધી લઇશ કહીં નટરાજનગરમાં રહેતાં રીક્ષા ચાલકને બુટલેગર હર્ષદ મહાજને પરીવારને મારી નાંખવાની ધમકી આપતાં યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે નટરાજનગરમાં આવેલ પટેલ કન્યા છાત્રાલય પાસે રહેતાં પ્રિયાંક વિનોદભાઇ મહેતા (ઉ.વ.૩૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કમલેશ હર્ષદ માંડલીયા અને હર્ષદ ઉર્ફે મહાજન માંડલિયાનું નામ આપતાં યુની. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે પ્રેમીકા મીનાબેન તથા પિતા અને પ્રેમીકાની દીકરી સાથે રહી રીક્ષા ડ્રાઇવીંગનું કામ કરે છે. ગઇ તા.૦૧ ના રાત્રીના બારેક વાગ્યે તે ઘરે હતો. ત્યારે પ્રેમીકાની દીકરી પ્રિયાનો પતિ કમલેશ માંડલીયા ઘરે આવેલ અને ગાળો બોલી પ્રિયાને કેમ મોકલતા નથી તેમ કહી દેકારો કરી જતો રહેલ હતો. બાદમાં ગઈકાલે રાત્રીના તેઓ ઘરે હતો ત્યારે મિત્ર કમલેશ માંડલીયાનો ફોન આવેલ કે, મારે તારી સાથે વાત કરવી છે, તુ કેમ મને મળતો નથી તેમ કહી બોલા ચાલી કરી ગાળો બોલવા લાગેલ જેથી તેને ફોન કાપી નાખેલ હતો.
ફરીથી વોટ્સએપ કોલ આવેલ અને તેના મિત્ર કમલેશના પપ્પા હર્ષદ માંડલીયા વાત કરેલ અને ગાળો આપી કહેવા લાગેલ કે, તું મને કેમ મળવા આવતો નથી, હું તને શોધી લઇશ, હું રાતે અથવા વહેલી સવારે તારા ઘરે આવીશ કેટલા દિવસ બહાર રખડે રાખીશ, આજ નહીં તો કાલે તું ભેગો થાઇશ તો તને અને પરીવારને જાનથી મારી નાખીશ તેમ કહી ખોટા કેશ ફીટ કરાવી દેવાની ધમકી આપવા લાગેલ અને ત્યારે ગાળો બોલવાની ના પાડતા ફરીવાર ધમકી આપી હતી. જેથી તેનો ફોન કાપી નાખેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.