Washingtonતા.13
અમેરિકાના ઇતિહાસનો સૌથી લાંબો સરકારી શટડાઉન આખરે 43 દિવસ બાદ સમાપ્ત થયો છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ખર્ચ બિલ પસાર કર્યું છે, જેનાથી ફંડના અભાવે ઠપ્પ પડેલી સરકારી કામગીરી ફરી શરૂ થશે.
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 222-209 મતોથી આ ખર્ચ બિલ પસાર કર્યું હતું. હવે આ બિલને અંતિમ મંજૂરી માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મોકલવામાં આવશે, જેના પર તેની મહોર લાગતાં જ ઐતિહાસિક શટડાઉન સત્તાવાર રીતે સમાપ્ત થશે.
સ્પેન્ડિંગ બિલ પસાર કરવું ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી માટે પડકારજનક હતું. રિપબ્લિકન પાર્ટીને આ બિલ પસાર કરવા માટે વિપક્ષી પાર્ટી, ડેમોક્રેટ્સના છ સાંસદોના મતોની જરૂર હતી. અંતે છ ડેમોક્રેટ્સે રિપબ્લિકન-નેતૃત્વવાળા બિલને ટેકો આપ્યો અને તેની તરફેણમાં મતદાન કર્યું હતું, જેના કારણે બિલ પસાર થઈ શક્યું.
બંને પક્ષો વચ્ચે નીચેના મુદ્દાઓ પર સમજૂતી સધાઈ છે. જેમાં ટ્રમ્પ વહીવટીતંત્ર શટડાઉન દરમિયાન છૂટા કરાયેલા તમામ સરકારી કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખશે. ફેડરલ કર્મચારીઓને તેમના બાકી પગારની ખાતરી આપવામાં આવશે અને તેની ચૂકવણી કરવામાં આવશે.
આ ખર્ચ બિલ જાન્યુઆરી સુધી સરકારને ભંડોળ પૂરું પાડવા માટે રજૂ કરવામાં આવ્યું છે. જો કે, આ ડીલમાં મોટાભાગના ડેમોક્રેટ્સની મુખ્ય માંગણી, એટલે કે ગેરંટીકૃત આરોગ્ય વીમા સબસિડીનો વધારો, સામેલ નથી. ડેમોક્રેટિક પાર્ટી આ માંગ પર ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં જ્યારે ટેક્સ ક્રેડિટ પર મતદાન થશે ત્યારે ફરીથી ભાર મૂકશે.
ઉલ્લેખનીય છે કે, યુએસમાં શટડાઉન ત્યારે થાય છે જ્યારે યુએસ સંસદ (કોંગ્રેસ) સરકારી વિભાગો ચલાવવા માટે બજેટ અથવા ભંડોળ બિલ સમયસર પસાર કરવામાં નિષ્ફળ જાય છે.
પહેલી ઓક્ટોબરના રોજ નિર્ધારિત નિયમિત બજેટ પસાર ન થતાં ભંડોળના અભાવે સરકારી કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. હાલ પૂરતું ભંડોળ મળતાં સરકારી કામગીરી પુનઃસ્થાપિત થઈ છે, પરંતુ જાન્યુઆરીમાં નવું બજેટ પસાર કરવા માટે બંને પક્ષો વચ્ચે ફરી સંઘર્ષ થવાની શક્યતા છે.

