Lord, તા.15
આવી રોમાંચક ટેસ્ટ મેચ ભાગ્યે જ જોવા મળે છે. રવિન્દ્ર જાડેજાની અણનમ લડાયક અડધી સદી (61 અણનમ) છતાં, ઇંગ્લેન્ડે લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતને 22 રનથી હરાવ્યું. પરંતુ જાડેજાની જોશભરી ઇનિંગ્સે ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા.
સ્પિનર શોએબ બશીરે મોહમ્મદ સિરાજ (04) ને બોલ્ડ કરીને ઇંગ્લેન્ડને જીત અપાવી. સોમવારે મેચના પાંચમા અને અંતિમ દિવસે જીત સાથે, યજમાન ટીમે પાંચ મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી ટેસ્ટ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે.
ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા 193 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ચાર વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી રહેલા જોફ્રા આર્ચર (3 વિકેટ), કેપ્ટન બેન સ્ટોક્સ (3 વિકેટ) અને બ્રાયડન કાર્સ (2 વિકેટ) ની શાનદાર બોલિંગને કારણે ભારત 170 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ક્રિસ વોક્સ (21 રનમાં 1 વિકેટ) એ પણ એક વિકેટ લીધી.
ટાર્ગેટ પૂર્ણ કરતી વખતે, ભારતે 82 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ જાડેજાએ એક છેડો પકડી રાખ્યો. તેણે નીતિશ કુમાર રેડ્ડી (13) સાથે આઠમી વિકેટ માટે 91 બોલમાં 30 રન, જસપ્રીત બુમરાહ (05) સાથે નવમી વિકેટ માટે 132 બોલમાં 35 રન અને સિરાજ સાથે છેલ્લી વિકેટ માટે 80 બોલમાં 23 રનની ભાગીદારી કરીને અણધારી ગતિની આશા જગાવી હતી, પરંતુ તે ટીમને હારથી બચાવી શક્યો નહીં.
► લોર્ડ્સના ’બોક્સ’માં ભવ્ય સ્વાગત
રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજની બેટિંગનો પ્રભાવ એ વાત પરથી અંદાજી શકાય છે કે પેવેલિયન પરત ફરતી વખતે, VIP બોક્સ લોંગ રૂમમાં દર્શકોએ યજમાન ટીમ તેમજ જાડેજા અને સિરાજ સહિત ભારતીય ટીમના ખેલાડીઓને ઉભા થઈને તાળીઓ પાડી.
► મને ટીમની રમત પર ગર્વ છે
શુભમન ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે કહ્યું છે કે, તેમને ટીમની રમત પર ગર્વ છે. ત્રીજી ટેસ્ટમાં હાર બાદ તેમણે કહ્યું કે, જાડેજા એક અનુભવી ખેલાડી છે, તેમને કોઈ સંદેશ આપવામાં આવ્યો ન હતો.
કોઈ પણ ટેસ્ટ મેચ આનાથી નજીક ન હોઈ શકે. જોકે, અમારી ટીમ જે રીતે અંત સુધી પ્રયાસ કરતી રહી તે અદ્ભુત હતું. પંતની ઈજા અંગે તેમણે કહ્યું કે, તે ખૂબ ગંભીર નથી. માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ માટે તે ફિટ થવાની અપેક્ષા છે.
► રાહુલ દ્રવિડનો 23 વર્ષ જૂનો આ રેકોર્ડ તોડયો શુભમન ગિલે
ભારતીય ટેસ્ટ-કેપ્ટન શુભમન ગિલે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને હેડ કોચ રાહુલ દ્રવિડનો 23 વર્ષ જૂનો એક મોટો રેકોર્ડ તોડ્યો છે. શુભમન ગિલે ઇંગ્લેન્ડમાં વર્તમાન ટેસ્ટ-સિરીઝમાં 6 ઈનિંગ્સમાં 607 રન બનાવ્યા છે.
આ સાથે તે ઇંગ્લેન્ડમાં એક સિરીઝમાં હાઈએસ્ટ રન કરનાર ભારતીય બની ગયો છે. દ્રવિડે 2002માં ઈંગ્લેન્ડમાં 6 ઈનિંગ્સમાં 602 રન બનાવ્યા હતા. શુભમન ગિલ આ પહેલાં ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટ-સિરીઝમાં 600 પ્લસ રન કરનાર પહેલો ભારતીય કેપ્ટન પણ બન્યો હતો.
► 73 વર્ષ બાદ લોર્ડ્સમાં ભારતીય પ્લેયરે બન્ને ઇનિંગ્સમાં ફટકારી ફિફ્ટી
રવીન્દ્ર જાડેજાએ પહેલી ઈનિંગ્સમાં 72 રનની અને બીજી ઈનિંગ્સમાં અણનમ 61 રન કરીન 73 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી છે. એક ભારતીય તરીકે લોર્ડ્સમાં બન્ને ઈનિંગ્સમાં ફિફટી પ્લસ ર ન કરનાર તે બીજો ભારતીય બન્યો છે. આ પહેલાં 1952માં વિનુ માંકડે (72 અને 184 રન)એ આ રેકોર્ડ કર્યો હતો.
► વધુ પડતા આક્રમક સેલિબ્રેશનને કારણે સિરાજ પર પ્રતિબંધનો ખતરો
ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ત્રીજી ટેસ્ટ-મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડના ઓપનર બેન ડકેટની વિકેટ લીધા બાદ તેની નજીક પહોંચીને આક્રમક પ્રતિક્રિયા આપી હતી. ICC ના નિયમો અનુસાર ડકેટના શરીરને સ્પર્શ કરીને આક્રમક સેલિબ્રેશનથી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેની મેચ-ફીના 15 ટકાનો દંડ કરીને તેને એક ડીમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યો હતો.
24 મહિનાના સમયગાળામાં આ તેનો બીજો ગુનો હતો જેનાથી તેના ડીમેરિટ પોઇન્ટની સંખ્યા બે થઈ છે, જ્યારે કોઈ પ્લેયર 24 મહિનાના સમયગાળામાં ચાર કે એથી વધુ ડીમેરિટ પોઇન્ટ સુધી પહોંચે છે ત્યારે તેને સસ્પેન્શન પોઈન્ટમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને કેટલીક મેચ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
► 14 જુલાઈ અને લોર્ડ્સ ફરી ઇંગ્લેન્ડ માટે બન્યાં ખાસ: 2019માં વન-ડે વર્લ્ડ કપ પણ જીત્યું હતું
2019ની 14 જુલાઈએ ઈંગ્લેન્ડ લોર્ડ્સમાં જ પોતાનો પહેલો વર્લ્ડ કપ જીત્યું હતું. ન્યુ ઝીલેન્ડ સામેની વન-ડે વર્લ્ડ કપ ફાઈનલમાં ટાઈ મેય અને ટાઈ સુપરઓવર બાદ ગાઉન્ડરી કાઉન્ટના આધારે મેય જીત્યું હતું. તે મેચમાં પણ બેન સ્ટોક્સ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
રવીન્દ્ર જાડેજા ચાર ફોર અને એક સિક્સરની મદદથી 181 બોલમાં 61 રનની અણનમ ઇનિંગ્સ રમ્યો હતો, પણ ભારતને જીત નહોતો અપાવી શક્યો.
► ભારતની રનની દ્રષ્ટિએ સૌથી નજીકના અંતરની હાર
♦ પાકિસ્તાન સામે ચેન્નઈમાં 12 રન (1999)
♦ ઓસ્ટ્રેલિયા સામે બ્રિસબેનમાં 16 રન (1977)
♦ પાકિસ્તાન સામે બેન્ગલોરમાં 16 રન (1987)
♦ ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં બાવીસ રન (2025)
♦ ન્યુઝીલેન્ડ સામે વાનખેડેમાં પચીસ રન (2024)
વિકેટ ગુમાવતાં મેચ હારી જતા દુ:ખી થયેલા ભારતના મોહમ્મદ સિરાજને સાંત્વના આપી હતી ઇંગ્લેન્ડના જો રૂટ અને ઝેક કોલીએ.