Junagadh તા.4
ગુજરાત-સોરઠ જીલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રમાં કમોસમી માવઠારૂપી વરસાદમાં ખરીફ (ચોમાસુ) પાકમાં મોટી નુકશાની થવા પામી છે. રાજય સરકાર દ્વારા તાત્કાલિક ડીજીટલ સર્વેની જાહેરાત બાદ ખેડૂતોનો મોટો વિરોધ થવા પામતા સરકારે ગામડે ગામડે જઈ ખેતરોમાં રૂબરૂ સર્વે કરવાનો આદેશ કરતા જુનાગઢ જીલ્લાના નવ તાલુકાઓમાં રવિવારની રાત્રીના સર્વેની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ જવા પામી હતી.
જુનાગઢ જીલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટના જણાવ્યા મુજબ જુનાગઢ જીલ્લાના નવ તાલુકાઓમાં 85 ટીમો દ્વારા ગ્રામ સેવક વિસ્તર ખેતીવાડીના કર્મીઓ, ગામના સરપંસ સહિતનાઓને સાથે રાખી નુકશાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
જુનાગઢ જીલ્લા ખેતીવાડી અધિકારી ભટ્ટના જણાવ્યા મુજબ જીલ્લાના નવ તાલુકાઓમાં ખરીફ પાકનું 3,71,554 હેકટરમાં મગફળી, કપાસ, સોયાબીન, મગ, અડધ, તલ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં માવઠા રૂપી કમોસમી વરસાદમાં 2,66,596 હેકટરમાં 94 ટકા નુકશાની થવા પામી છે. સરેરાશ 33 ટકા નુકશાનીનો સર્વે ખેતરે ખેતરેથી નવ તાલુકાઓમાં નુકશાની સામે આવી છે.
આ કામગીરીમાં ખેતીવાડી અધિકારીઓ વિસ્તરણ અધિકારીઓ તેમના કર્મીઓ તલાટીઓ તમામ ગ્રામસેવકો દરેક ગામડાઓના સરપંચોને સાથે રાખી પંચરોજકામ કરી સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગઈકાલે રાજય સરકારમાં ખેતી નિયામકને તમામ નુકશાનીનો રિપોર્ટ મોકલી દેવામાં આવ્યાનું ‘સાંજ સમાચાર’ના જીલ્લાના પ્રતિનિધિ રાકેશ લખલાણીને જણાવ્યું હતું.

