Rajkot,, તા. 6
આવતીકાલ ભાદરવા સુદ પુનમના રવિવારે શતભિષા તથા પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં તથા કુંભ રાશિમાં ચંદ્રગ્રહણ થશે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવામાં આવશે.
ચંદ્રગ્રહણના કારણે અંબાજી, સોમનાથ, શામળાજી, દ્વારકા, ડાકોર, બેટ દ્વારકા, નાગેશ્વર મંદિર સહિતના મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયા છે.
સોમનાથ
સોમનાથ મંદિર ખુલ્લુ રહેશે પરંતુ ગ્રહણ દરમ્યાન પુજા, આરતી, અભિષેક વગેરે બંધ રહેશે.
અંબાજી
અંબાજી મંદિર આવતીકાલે સવારે 6 થી 6.30 આરતી બાદ સવારે 6 થી 10 સુધી દર્શન થઇ શકશે. સવારના 10 થી 12 દર્શન બંધ રહેશે જયારે શયનકાળ આરતી બપોરના 12 થી 12.30 થશે. સાંજે જાળીમાંથી બપોરના 12.30થી પાંચ સુધી દર્શન થઇ શકશે. જયારે સાંજના પાંચ વાગ્યાથી મંદિર સંપૂર્ણ બંધ થઇ જશે.
દ્વારકા
દ્વારકા જગત મંદિરે આવતીકાલે મંગળા આરતી સવારે 6 વાગે થશે તથા બપોરના 1.30 કલાકે મંદિર બંધ થશે. સાંજે ખુલશે નહિ.
શામળાજી
શામળાજી મંદિરે આવતીકાલે સાંજના છ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ગ્રહણના કારણે શામળાજી મંદિર કાલે સાંજના છ વાગ્યાથી દર્શન બંધ થશે.
ચંદ્રગ્રહણનો વેધ
આવતીકાલે સવારે 11.58થી ચંદ્રગ્રહણનો વેધ શરૂ થશે. જયારે ચંદ્ર ગ્રહણ શરૂ થવાનો સમય રાત્રે 8.58 કલાકથી તથા ચંદ્રગ્રહણ પૂર્ણ થવાનો સમય રાત્રે 2.25 કલાકનો છે. બાળકો, વૃધ્ધો, બિમાર વ્યકિતઓ માટે ગ્રહણનો વેધ કાલે સાંજે પ.પ8થી લાગશે. ચંદ્રગ્રહણ કુલ પાંચ કલાક અને 27 મિનિટ સુધી ચાલશે. ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવતા જપ ત્રણ લાખ ગણુ ફળ આપે છે.