Madhya Pradesh,તા.૧૭
મધ્યપ્રદેશ સરકારે ટૂંક સમયમાં રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં બનેલા મંદિરો અથવા અન્ય ધાર્મિક સ્થળોની યાદી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવી પડશે. મધ્યપ્રદેશની જબલપુર હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મધ્યપ્રદેશ સરકારને આ આદેશ આપ્યો છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુરેશ કુમાર કૈથ અને જસ્ટિસ વિવેક જૈનની ડિવિઝન બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી.
બેંચે આ મામલામાં કહ્યું કે, રાજ્ય સરકારે શક્ય તેટલી વહેલી તકે સમગ્ર રાજ્યના પોલીસ સ્ટેશનોની અંદર બનેલા મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોની સંપૂર્ણ સૂચિ રજૂ કરવી જોઈએ. હાઈકોર્ટે સરકારને એ પણ પૂછ્યું છે કે રાજ્યના કયા પોલીસ સ્ટેશનમાં મંદિરો ક્યારે બંધાયા અને મંદિર બનાવવાનો આદેશ કોણે આપ્યો? જેના જવાબ માટે હાઇકોર્ટે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટે ૭ દિવસનો છેલ્લો સમય આપ્યો છે. આ પહેલા ૧૯ નવેમ્બરે અને તે પહેલા ૪ નવેમ્બરે પણ હાઈકોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.
અરજીકર્તા ઓપી યાદવે અરજીમાં સિવિલ લાઇન, ભગવાનગંજ, મદનમહાલ અને જબલપુર શહેરના વિજય નગર પોલીસ સ્ટેશનમાં બનેલા મંદિરોના ફોટોગ્રાફ્સ પણ જોડ્યા છે. તેમણે કહ્યું હતું કે પોલીસ અધિકારીઓ સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કરી રહ્યા છે. એક મહિના પહેલા, અરજીની સુનાવણી કરતી વખતે, હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુરેશ કુમાર કૈથની ડિવિઝન બેંચે રાજ્યના મુખ્ય સચિવ અનુરાગ જૈન અને ડીજીપીને નોટિસ આપી હતી અને તેમનો જવાબ માંગ્યો હતો.
ગૃહ વિભાગ અને શહેરી વહીવટ વિભાગને પણ નોટિસ આપવામાં આવી હતી. એક મહિના પહેલા પણ આ મામલે સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે પોલીસ સ્ટેશનોમાં મંદિરોના નિર્માણ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે આ બાબતે પ્રાથમિક વાંધો પણ આપ્યો હતો, જેને હાઈકોર્ટે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. હવે સરકાર ટૂંક સમયમાં આ અંગે રિપોર્ટ રજૂ કરી શકે છે અથવા કોર્ટ પાસે સમય માંગી શકે છે.