Madhya Pradesh , તા.8
મધ્ય પ્રદેશમાં બીડીના વ્યવસાય સાથે જોડાયેલા ઉદ્યોગપતિ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય હરિવંશસિંહ રાઠોર તથા પૂર્વ કોર્પોરેટર રાજેશ કેશરવાણી પર આવક વેરા ખાતે દરોડા પાડતા તેમને ત્યાંથી 14 કિલો સોનુ અને 3.80 કરોડની રોકડ ઝડપાતા અધિકારીઓ પણ દંગ થઇ ગયા હતા. બન્નેએ અત્યાર સુધીમાં રૂા.150 કરોડની કર ચોરી કરી હોવાનું કબૂલી લીધું છે.
તેમના આવાસેથી લકઝરી ગાડીઓનો કાફલો પણ જોવા મળ્યો હતો. આવકવેરા વિભાગે પૂર્વ ધારાસભ્ય હરિવંશસિંહ રાઠોરના ઘરેથી અલગ-અલગ જગ્યાએ છુપાવેલા સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા અને થોડા ઘરેણા પણ મળી આવ્યા હતા.
ઉપરાંત રોકડ પણ મળી હતી. બીજા પૂર્વ કોર્પોરેટર રાજેશ કેશરવાણીએ રૂા.140 કરોડના બેનામી સંપત્તિના વ્યવહારો કર્યા હતા જેના દસ્તાવેજો પણ મળ્યા છે. એટલું જ નહીં તેને ત્યાંથી ચાર કિલો સોનુ પણ મળ્યું છે જ્યારે તેમની કાર પણ બેનામી હોવાનું બહાર આવ્યું છે.
આવકવેરા વિભાગની 30 ટીમ સાગર પહોંચી હતી અને અલગ-અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા. ભાજપના આ નેતા પક્ષમાં વગદાર વ્યકિત ગણાય છે અને બીડીના બિઝનેશ પર મોટો અંકુશ ધરાવે છે.