Junagadh,તા.11
ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવગીરી બાપુ ફરી એકવાર અચાનક ગુમ થઈ જતાં ચકચાર મચી ગઈ છે. જસદણના સાણથલી ગામે પોતાના પરિવાર સાથે રહેતા મહાદેવ ભારતી વહેલી સવારે કોઈને પણ જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા, જેના પગલે પરિવારજનોમાં ફરી ચિંતાના વાદળો છવાયા છે.
ઉલ્લેખનીય છે કે મહાદેવગીરી બાપુએ થોડા દિવસો પહેલાં જ એક સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે આશ્રમના આંતરિક ડખા અને વિવાદો અંગે ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા. આ નોટ લખીને તેઓ ગુમ થઈ ગયા હતા.
આ ઘટના બાદ પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેઓ ઈટાવા ઘોડી વિસ્તારમાંથી અશક્ત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તુરંત તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સારવાર લીધા બાદ તેમને રજા આપવામાં આવી હતી.
આ સમગ્ર વિવાદ દરમિયાન ભારતી આશ્રમના ગુરુ હરિહરાનંદબાપુએ મહાદેવગીરી બાપુ સામે કડક પગલાં લેતા તેમને તમામ હોદ્દા પરથી હટાવી દીધા હતા. એટલું જ નહીં, રાજ્યના કોઈપણ ભારતી આશ્રમમાં તેમના પ્રવેશ પર મનાઈ ફરમાવી દેવામાં આવી હતી.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મહાદેવ ભારતી પોતાના પરિવાર સાથે રહેવા માટે જસદણના સાણથલી ગામે ગયા હતા. જોકે, પરિવાર સાથે માત્ર બે દિવસ રહ્યા બાદ જ તેઓ આજે વહેલી સવારે ફરીથી રહસ્યમય સંજોગોમાં ઘરેથી નીકળી જતાં પરિવારજનો ચિંતાતુર બન્યા છે અને તેમની શોધખોળ શરૂ કરી છે.

