New Delhi,તા.24
આગામી સમયમાં યોજાનારી બિહારની ધારાસભાની ચૂંટણી પૂર્વે જે રીતે મતદાર યાદીની પુન:સમિક્ષા ચૂંટણીપંચ દ્વારા શરૂ કરવામાં આવી છે તે મુદે બિહાર વિધાનસભાથી લઈને સંસદ સુધી વિપક્ષ દ્વારા સતત વિરોધ થઈ રહ્યો છે અને બન્ને ધારાગૃહોના કામકાજ પણ ખોરવાઈ રહ્યા છે.
તે પૂર્વે ચૂંટણીપંચ પોતાના નિર્ણયમાં અડગ હોવાના સંકેત પછી હવે વિપક્ષ બિહાર વિધાનસભા ચૂંટણીના બહિષ્કાર અંગેનો પણ વિચારણા કરી રહ્યો હોવાનું માનવામાં આવે છે.
ગઈકાલે રાષ્ટ્રીય જનતા દળના નેતા અને પૂર્વ નાયબ તેજસ્વી યાદવે આ સંકેત આપ્યો હતો અને કહ્યું હતું કે, ચૂંટણીપંચ એક એજન્ડા સાથે આગળ વધી રહ્યો છે. વિધાનસભામાં આ મુદે મુખ્યમંત્રી નીતીશકુમાર સાથે ટકકર બાદ તેમણે કહ્યું કે, પંચ દરેક વિધાનસભામાંથી 1 લાખ નામ કાપવાના એજન્ડા સાથે આગળ વધી રહ્યો છે.
આ ફકત મતદાર યાદી સુધારણા કામ નથી પરંતુ એ લોકોનું અસ્તિત્વ ખતમ કરવા માગે છે જેઓ ભાજપ સાથે કે સરકાર સાથે નથી. જોકે બાદમાં તેઓએ એવો પણ સંકેત આપી દીધો કે વિપક્ષ આ મુદે ગંભીર છે અને ચૂંટણી બહિષ્કારની શકયતા તપાસશે.