એકનાથ શિંદેએ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું, મહાયુતિના નેતાઓના મીટિંગ્સનો દોર યથાવત
Maharashtra, તા.૨૭
મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામના ચાર દિવસ પછી પણ મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અનિશ્ચિતતા યથાવત રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજીનામું આપી દેતાં નવી સરકાર રચવા માટેનો માર્ગ મોકળો થઇ ગયો છે. પરંતુ મહાયુતિ ગઠબંધન માટે હજુ પણ કોકડું ગૂંચવાયું છે. ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ કે શિવસેના નેતા એકનાથ શિંદે બન્નેમાંથી તાજ કોણે પહેરાવાશે તે અંગે મોડીરાત્રિ સુધી મથામણ ચાલી હતી. ફડણવીસ અને અજિત પવારને સાથે લઇને શિંદેએ ગવર્નર સી પી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને રાજીનામું સુપરત કર્યું હતું. ગવર્નરે નવા સીએમ શપથ ન લે ત્યાં સુધી રખેવાળ સરકાર ચલાવવા તેમને જાણ કરી હતી. વિધાનસભાનો કાર્યકાળ ૨૬ નવેમ્બરે પૂર્ણ થયો હોવાને કારણે હવે મુખ્યમંત્રી અંગે તત્કાળ નિર્ણય લેવો પડશે. મહાયુતિને વિધાનસભાની ૨૮૮માંથી ૨૩૦ બેઠકો મળી છે. શિવસેનાના (શિંદે) પ્રવક્તા સંજય શિરસાતે સંકેત આપ્યો હતો કે મુખ્યમંત્રીના હોદા અંગે મંગળવારે રાત્રે કે બુધવાર સવાર સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિત ભાજપના ટોચના નેતાઓ સાથે શિંદે, ફડણવીસ અને પવારની વાટાઘાટો ચાલી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જોકે સિરસાતનું માનવું છે કે વિધાનસભાની ચૂંટણી શિંદેની આગેવાનીમાં લડાઇ હોવાથી એવી સામાન્ય લાગણી છે કે તેમને મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવા જોઇએ. જોકે તેમણે એવું પણ કહ્યું હતું કે મુખ્યમંત્રીના હોદા માટે ભાજપના ટોચના નેતાઓના મનમાં શું ચાલે છે તે અંગે તેઓ જાણતા નથી.આ સાથે જ સંબંધિત એક હિલચાલમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે ભાજપે ફડણવીસને ત્રીજી મુદત માટે મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કર્યું છે. જોકે પાર્ટીએ હજુ તેમને વિધિસર જાણ કરી નથી. ભાજપના એક અન્ય નેતાએ નામ નહિ આપવાની શરતે જણાવ્યું હતું કે પાર્ટીને તેના ઉમેદવાર જાહેર કરવાની ઉતાવળ નથી. હાલમાં તો મંત્રીઓના પોર્ટફોલિયોને અંતિમ સ્વરૂપ અપાઇ રહ્યા છે. તેમાં મહત્વના હોદાઓની વહેંચણીનો પણ સમાવેશ થાય છે. જોકે ગઠબંધન ભાગીદારોમાં એખલાસ જાળવવા માટે સાવચેતીભર્યો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. હાલમાં સંસદીય સત્ર ચાલી રહ્યું છે, તેની વચ્ચે કેન્દ્રીય નેતાગિરી મહારાષ્ટ્ર ભાજપ અને સાથી પક્ષોના નેતાઓ સાથે મીટિંગ્સ યોજી રહી છે.એવું પણ મનાય છે કે હજુ મુખ્યમંત્રી નક્કી કરવામાં વધુ એક કે બે દિવસનો સમય લાગી શકે છે કેમ કે ભાજપ આ મામલે તમામને વિશ્વાસમાં લેવા માગે છે. એવી પણ સંભાવના છે કે ભાજપનું કેન્દ્રીય સંગઠન એક ઓબ્ઝર્વર અથવા ઓબ્ઝર્વર્સની ટીમ નીમશે. આ ટીમ કે ઓબ્ઝર્વર કેબિનેટ ફોર્મ્યૂલા અને સીએમનું નામ નક્કી કરવા માટે ધારાસભ્યો અને પાર્ટીના સીનિયર નેતાઓને મળશે.