Botad,તા.14
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં ખાસ કરીને રવિવારે બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બોટાદના ગોધવટા ગામ પાસે કાર તણાઇ ગઇ હતી. કારમાં સવાર 7 હરિભક્તો તણાયા હતા. જેમાંથી કૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધ કાસીયા (આશરે 10 વર્ષ)ના મોત નિપજ્યા છે, 4નો આબાદ બચાવ થયો છે, જ્યારે હજુ 1 ગુમ છે. ઘટનાની સ્થાનિક રેસ્ક્યુની ટીમ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોચીએ ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ નજીક આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં એક કોઝ-વે પાર કરતી વખતે કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના બે હરિભક્તોના કરુણ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા છે. સદનસીબે, કારમાં સવાર અન્ય ચાર લોકોને આબાદ બચાવી લેવાયા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, આ સંતો બોચાસણથી સાળંગપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. ભારે વરસાદને કારણે કોઝ-વે પર પાણીનો પ્રવાહ તેજ હતો, જેના કારણે કારે કાબૂ ગુમાવતાં પાણીમાં તણાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ચાર વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ બે હરિભક્તોને બચાવી શકાયા ન હતા. હાલ બરવાળાના મામલતદરા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. હાલ ગુમ સ્વામીની શોધખોળ ચાલી રહી છે.
સ્થાનિક રેસ્ક્યુ ટીમ દ્વારા ગુમ હરિભક્તની શોધખોળ પૂરજોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવ કામગીરીમાં જોડાઈ છે.
આ દુર્ઘટનાને પગલે BAPS સંપ્રદાય અને સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.