Jamnagar,તા.17
જી.એસ.ટી વિભાગની અમદાવાદની ટીમેં મેગા ઓપરેશન જામનગર ના દરેડ અને શંકર ટેકરીના ઔદ્યોગિક એકમો પર તવાઈ ઉતરી હતી, સાંઢિયા પુલ પાસેથી બિલ વગરનો માલ ભરેલા ડઝનબંધ વાહનો ઝડપાયા; એસોસિએશનના હોદ્દેદારો અને રાજકીય આગેવાનોની લાલ બંગલા કચેરીએ પહોંચ્યા હતા. ઉધોગકારો અને અધિકારીઓ વચ્ચે મડા ગાંઠ ઉકેલવાના ચક્ર ગતિમાન થયા હતા. તો મેગા ઓપરેશન દરમ્યાન. લાખોની કરચોરી ઝડપાયા હોવાનું જાણવા મળે છે.
જામનગર શહેર, જે બ્રાસ ઉદ્યોગની બ્રાસ સીટી તરીકે ઓળખાય છે, ત્યાં સ્ટેટ જીએસટી વિભાગની અમદાવાદ સ્થિત મુખ્ય કચેરીની ટીમોએ અત્યંત ગુપ્તતાપૂર્વક હાથ ધરેલા મેગા સર્ચ ઓપરેશનને પગલે સમગ્ર ઉદ્યોગજગતમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી જામનગરના બ્રાસ પાર્ટ ઉદ્યોગમાં મોટાપાયે કરચોરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે, અમદાવાદના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ દરોડાની કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓપરેશનની શરૂઆત શહેરના મુખ્ય બન્ને ઉદ્યોગોને જોડતા સાંઢિયા પુલ પાસેના હાઇવે પરથી કરવામાં આવી હતી, જ્યાં જીએસટી અધિકારીઓએ વહેલી સવારથી જ વોચ ગોઠવીને દરેડ જીઆઈડીસી અને શંકર ટેકરી ઔદ્યોગિક વિસ્તારમાંથી નીકળતા માલવાહક વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
આ ઓચિંતા સર્ચ ઓપરેશન દરમિયાન, કોઈપણ જાતના પાકા બિલ કે ઈ-વે બિલ વગર બ્રાસ સ્ક્રેપ અને કાચા માલની હેરાફેરી કરી રહેલી 15 થી વધુ છકડા રિક્ષાઓ અને અન્ય માલવાહક વાહનોને અટકાવવામાં આવ્યા હતા. સ્થળ પર પ્રાથમિક પૂછપરછમાં વાહનચાલકો કે માલના માલિકો કોઈ સંતોષકારક દસ્તાવેજો રજૂ ન કરી શકતા, અધિકારીઓએ તમામ વાહનોને માલસામાન સહિત જપ્ત કરીને શહેરના લાલ બંગલા સર્કલ સ્થિત જીએસટી કચેરી ખાતે ખસેડ્યા હતા.
આ તપાસ દરમિયાન, મોટા પ્રમાણમાં પ્રોસેસ વગરનો કાચો માલ મળી આવ્યો હતો જેનું કોઈ હિસાબી ચોપડે ઉલ્લેખ નહોતો, જેના પરથી મોટાપાયે બિનહિસાબી ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સમગ્ર કાર્યવાહીમાં 7 થી વધુ ઉદ્યોગપતિઓ અને તેમના ભાગીદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે અને પ્રાથમિક તબક્કે અંદાજે 40 થી 50 લાખ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો અને લાખો રૂપિયાની કરચોરી પકડાઈ હોવાનું અનુમાન છે. જીએસટી વિભાગની આ આક્રમક કાર્યવાહીના સમાચાર વાયુવેગે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં પ્રસરતા જ કારખાનેદારોમાં સોંપો પડી ગયો હતો અને ભયનો માહોલ સર્જાયો હતો.
પરિસ્થિતિની ગંભીરતાને પારખીને, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ પટેલ, જીઆઇડીસી ફ્રેશ 2 અને 3 દરેડ ફેકટરી એસોસિએશનના પ્રમુખ દિનેશભાઇ ડાંગર અને સ્થાનિક ઉદ્યોગપતિ મંડળના આગેવાનો અને કેટલાક રાજકીય અગ્રણીઓ તાત્કાલિક લાલ બંગલા ખાતેની જીએસટી કચેરી પર રજૂઆત માટે દોડી ગયા હતા, જ્યાં તેમણે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ઉદ્યોગકારોને ખોટી રીતે પરેશાન ન કરવામાં આવે અને સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગણી કરી હતી.
હાલમાં, અમદાવાદથી આવેલી ટીમ દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો અને માલસામાનની ચકાસણીની પ્રક્રિયા ચાલુ મોડી રાત્ર સુધી રહી હતી. જે અનુસંધાને આ તપાસનો રેલો અન્ય કેટલાય એકમો સુધી પહોંચે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, જેના પગલે આગામી દિવસોમાં કરચોરીનો આંકડો હજુ પણ વધી શકે છે. જીએસટીના અધિકારીની કાર્યવાહીને લઈ ઉધોગકારોએ ગાંધીનગર સુધીના ટેલિફોનિક રણકતા થયા હોવાનું જાણવા મળે છે.