Junagadh તા.31
જુનાગઢ જીલ્લા પંચાયતના મેલેરિયા અધિકારી હાલ જુનાગઢ મહાનગર પાલિકામાં શહેરી વિભાગમાં મેલેરીયા બાયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા હરસુખભાઈ ફૂલાભાઈ રાદડીયા સામે એસીબીએ તપાસ કરી હતી, જેમાં આવક કરતા સંપતિ 1.74 કરોડની વધુ હોવાથી એસીબીએ ગઈકાલે આ અધિકારી સામે આવક કરતા વધુ સંપતિનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ ગુન્હો નોંધાતા અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જુનાગઢ જીલ્લા પંચાયતની વર્ગ-2ના મેલેરીયા અધિકારી તરીકે હાલ મનપામાં મેલેરીયા શાખામાં બાયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા હરસુખ ફૂલાભાઈ રાદડીયા સામે વર્ષ 2020માં અપ્રમાણસર મિલ્કત સહિતની બાબત અંગે એસીબીમાં અરજી થઈ હતી .
જેના આધારે એસીબી ધારા તા.1/4/2009થી 31/3/2021 સુધીના સમય ગાળા દરમ્યાન તેની જુનાગઢ- પોરબંદર જીલ્લા પંચાયત તરફથી મળેલી માહિતી, બેન્ક ખાતાના સ્ટેટમેન્ટ, સબ રજીસ્ટ્રાર તરફથી આપવામાં આવેલી સ્થાવર મિલકત અંગે માહિતી અંગે હીસાબો કરવામાં આવ્યા હતા.
તપાસ દરમ્યાન હરસુખ રાદડીયાએ હોદાનો દુરૂપયોગ કરી ગેરકાયદે નાણા મેળવી તેની આવક કરતા 60.8 ટકા એટલે કે 1.74 કરોડની મિલ્કત ગેરકાયદેસર મેળવી હોવાનું ખુલ્યું હતું.
આ મામલે ગઈકાલે એસીબીના પીઆઈ જે.બી. કરમુરે મેલેરીયા અધિકારી હરસુખ ફૂલાભાઈ રાદડીયા સામે આવક કરતા 1.74 કરોડની અપ્રમાણસર મિલકત મેળવવા અંગેની ફરીયાદ દાખલ કરતા જેની તપાસ એસીબીના પીઆઈ બી.કે. ગમારે હાથ ધરી છે. હાલ મનપામાં ફરજ બજાવતા અધિકારી સામે ગુન્હો દાખલ થતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

