Mumbai,તા,18
‘એવું નથી કે મને હિન્દી ફિલ્મોની ઑફરો નહોતી આવતી, પરંતુ હું મારા કામ બાબતે અત્યંત સાવધાન રહું છું. હું પસંદગીનાં પાત્રો જ અદા કરું છું.’
જાણીતા ફિલ્મ સર્જક માજિદ મજીદીની ફિલ્મ ‘બિઓન્ડ ધ ક્લાઉડ્સ’માં કામ કર્યા પછી અભિનેત્રી માલવિકાએ દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગની વાટ ઝાલી. છેલ્લા કેટલાક સમયમાં તેની હિન્દી ફિલ્મ ‘યુધ્રા’ અને ‘થંગલાન’ રજૂ થઈ.
માલવિકા કહે છે કે મારી કારકિર્દીનો આરંભ સાઉથની ફિલ્મથી થયો હતો. એવું નથી કે મને હિન્દી ફિલ્મોની ઑફરો નહોતી આવતી. પરંતુ હું મારા કામ બાબતે અત્યંત સાવધાન રહું છું. હું પસંદગીના પાત્રો જ અદા કરું છું. જો મને કોઈ ટોચના અભિનેતા સાથે કામ કરવાની તક મળે, પરંતુ મને તેની કહાણી પસંદ ન આવે તો માત્ર મોટા માથા સાથે કામ કરવા હું તે ફિલ્મ ન સ્વીકારું. હવે હું મારી કારકિર્દીના એવા તબક્કામાંથી પસાર થઈ રહી છું જ્યાં મારી પાસે મારી પસંદગીના સર્જકો સાથે કામ કરવાનો અને ગમતા પ્રોજેક્ટમાં કામ કરવાનો અવકાશ છે. હું પ્રભાસ સાથે એક તેલુગુ ફિલ્મમાં ડેબ્યુ કરવાની છું. જોકે અગાઉ મને તેલુગુ ફિલ્મો માટે ઘણી ઑફરો આવી હતી. પરંતુ હું ધમાકેદાર એન્ટ્રી કરવા માગતી હતી તેથી વધુ સારી ઑફરની રાહ જોઈ રહી હતી. અભિનેત્રી વધુમાં કહે છે કે તમિળમાં પણ મને સારી ફિલ્મો મળી રહી છે. હિન્દીમાં મારી ‘યુધ્રા’ તાજેતરમાં જ રજૂ થઈ છે. મારી ફિલ્મ ‘થંગલાન’ને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
માલવિકા કહે છે કે મને એ વાતની ખુશી છે કે હું ઘણી ફિલ્મો કરી રહી છે અને બધી મૂવીમાં મારો લુક અલગ અલગ છે. મેં એવી ફિલ્મો પણ કરી છે જેમાં હું ખુદને પરફેક્ટ પરફોર્મર તરીકે રજૂ કરી શકું. એવી ફિલ્મ પણ કરી રહી છું જેમાં મારો લુક ગ્લેમરસ છે. હું માનું છું કે આ ઇન્ડસ્ટ્રીમાં લાંબા વર્ષો સુધી ટકી રહેવું હોય તો લુક કરતાં પરફોર્મન્સને વધુ મહત્વ આપવું જોઈએ. મેં ‘થંગલાન’ માટે મેં પુષ્કળ મહેનત કરી છે. અમે સ્વારના ત્રણ વાગે ઉઠીને ચાર વાગે સેટ પર પહોંચતા. ત્યાર પછી ચારથી પાંચ કલાક સુધી મેકઅપ અને કૉસ્ચ્યુમ પાછળ ખર્ચ થતાં. મને વિગ પણ પહેરવી પડતી. એટલું જ નહીં, પગરખાં પહેર્યાં વિના સ્ટંટ કરવા પડતા તેથી મને દરરોજ પગમાં કાંઈને કાંઈ વાગતું. પરંતુ આ સઘળું કરવાના મીઠા ફળ હું ચાખી રહી છું.