Bharuch,તા.૧૨
ગત અઠવાડિયે જિલ્લાની આંગણવાડીમાં કામ કરતી લગભગ પચાસેક જેટલી મહિલા કર્મીઓને એક જ નંબર પરથી ન્યૂડ વીડિયો કૉલ આવવાની ગંભીર ઘટના સામે આવી હતી. જે મામલે તપાસ કરી ભરુચ પોલીસે આ નરાધમને છેક પંજાબથી પકડી પાડ્યો છે. તેની પૂછપરછમાં તેણે પોતે જ આ વીડિયો કૉલ કરી, આવી અશ્લીલ હરકતો કર્યા હોવાનું કબૂલ્યું છે. આ ઉપરાંત તેણે પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે.
ભરુચ જિલ્લામાં ખાસ કરીને ભરૂચ, ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકામાં આંગણવાડીની મહિલા કર્મીઓને સરકાર તરફથી આપવામાં આવેલા સીમકાર્ડ પર એક અજાણ્યા નંબર પરથી દિવસે તથા અડધી રાતે પણ વીડિયો કૉલ આવતા હતા. જેના પર એક વ્યક્તિ અશ્લીલ હરકતો કરતો હતો. ફરિયાદ મુજબ ૧૦ દિવસમાં લગભગ ૫૦ મહિલાઓને આવા અશ્લીલ સામગ્રીવાળા વીડિયો કૉલ આવ્યા હતા. જેના કારણે આ મહિલાઓ પોલીસ સ્ટેશને પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી.
ભરૂચના ડીવાયએસપી સી.કે.પટેલે આપેલી માહિતી અનુસાર, આ મહિલાઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરતા આરોપીનું લોકેશન પંજાબના હીરોઝપુર જિલ્લાના એક ગામે ટ્રેસ થયું હતું. જે બાદ પોલીસની એક ટીમ પંજાબ પહોંચી હતી અને ફરિયાદના ત્રણ દિવસમાં જ આરોપી કુરજીતસિંગ રાયસિંગની ધરપકડ કરાઈ હતી.
આરોપીની પૂછપરછમાં તેણે પોતે જ આ વીડિયો કૉલ કરી, આવી અશ્લીલ હરકતો કર્યા હોવાનું કબૂલ્યું છે. તે રાત્રિના સમયે નશાની હાલતમાં કોઈપણ એક રેન્ડમ મોબાઈલ નંબર પર ફોન કરી, આવી અશ્લીલ હરકતો શરૂ કરતો હતો. જે બાદ આ નંબરની આખી સિરિઝમાં તે આ કુર્કમ કરતો હતો. આના કારણે ભરુચની આ આંગણવાડીની બહેનોને ફોન આવ્યા હતા.
નોંધનીય છે કે, આ ઘટનાને કારણે આંગણવાડીની પીડિત તમામ મહિલા કર્મીઓ ખૂબ તણાવમાં હતી અને ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના વાઇસ પ્રેસિડેન્ટ રાગિની પરમારને સાથે લઈને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચી હતી, ત્યારે હાલ આરોપી પકડાઈ જતા તમામ મહિલાઓએ હાલ રાહતના શ્વાસ લીધા છે અને પોલીસનો આભાર માન્યો છે.