મોરવા હડફમાંથી ૩૬૧ જેટલી રૂ.૫૦૦ની નકલી ચલણી નોટ સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો
Panchmahal, તા.૨૫
રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે નકલી નોટો ઝડપાયાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે પંચમહાલ એસઓજી અને એલસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મોરવા હડફમાંથી ૩૬૧ જેટલી રૂ.૫૦૦ની નકલી ચલણી નોટ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો વ્યક્તિ નકલી નોટ ક્યાંથી અને કેવી રીતે લાવ્યો તેને લઈને મોરવા હડફ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આપેલી માહિતી મુજબ, પંચમહાલના મોરવા હડફના તાજપુરી વંદેલી ગામ તરફ જતાં આંતરિક માર્ગ ઉપરથી ભારતીય બનાવટની રૂપિયા ૫૦૦ના દરની ૩૬૧ નકલી ચલણી નોટો સાથે વિરણીયા ગામના રઘુવિરસિંહ અભેસિંહ ઘોડ નામના શખ્સને મોરવા હડફ પોલીસે ઝડપી પાડ્યો છે. તેની પાસેથી કુલ ૧.૮૦ લાખ રૂપિયાની નકલી ચલણી નોટ મળી આવી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ કેટલીક નકલી ચલણી નોટો બજારમાં ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી નકલી ચલણી નોટો ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે, આ સાથે તેણે નકલી ચલણી નોટો ક્યાં ક્યાં વટાવી છે અને તેનાથી શું ખરીદી કરી છે તે તમામ બાબતની તપાસ શરૂ કરાઈ છે.