Ahmedabad, તા.૩૧
સરદારનગર વિસ્તારમાં રહેતી મહિલાને ૩૦ લાખની લોટરી લાગી કહી ટેક્સ ભરવાનું કહી ગઠિયો ૭૮ હજાર રૂપિયા ઓનલાઇન પડાવી ગયો હતો. ત્યારબાદ પૈસા માટે ગલ્લાંતલ્લાં કર્યા હતા. આ મામલે મહિલાએ એરપોર્ટ પોલીસ મથકમાં ગઠિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે. શહેરના સરદારનગર વિસ્તારમાં ૩૮ વર્ષીય રેખાબહેન આવતાની પરિવાર સાથે રહે છે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું ધરાવે છે. ઉપરાંત તે ફેસબુકમાં પણ પોતાનું આઇડી ધરાવે છે. ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ના રેખાબહેન પોતાના ફેસબુક આઇડી પર લોટરીની જાહેરાત જોઇ હતી તેમાં એપ્લાય કરતા +૯૨ (પાકિસ્તાન સિરિઝ)નો નંબર હતો. જેમાં કહ્યા મુજબ રેખાબહેને પોતાનો ફોટો સહિતની વિગત મોકલી આપી હતી. ત્યારબાદ તેમને ૩૦ લાખ રૂપિયાની લોટરી લાગી હોવાનો મેસેજ આવ્યો હતો. જો કે, ટેક્સ પેટે ૭૮ હજાર રૂપિયા ભરવા પડશે તેમ મેસેજમાં જણાવ્યું હતું. ત્યારબાદ સામેવાળી વ્યક્તિએ જુદા જુદા બે બેંક એકાઉન્ટ નંબર મોકલી આપ્યા હતા. જેમાં રેખાબહેને ૭૮ હજાર તબક્કાવાર ટ્રાન્સફર કરી આપ્યા હતા. પછી વોટ્સએપથી તે નંબર પર ચેટ જારી રાખી હતી. પરંતુ સામેવાળી વ્યક્તિએ યોગ્ય જવાબ આપ્યો ન હતો. પછી તેણે ગલ્લાંતલ્લાં શરૂ કર્યા હતા. જેથી રેખાબહેનને ઠગાયાનો અહેસાસ થયો હતો. જેના કારણે તેમણે ઓનલાઇન ૧૯૩૦ નંબર પર ફરિયાદ કરી હતી. ત્યારબાદ આ મામલે તેમણે એરપોર્ટ પોલીસ મથકમાં ઠગાઇ અને આઇટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ફિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.




