Bhavnagar,તા.૧૨
બોટાદ નગરપાલિકાએ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જ્યાં તમામ સમિતિઓના ચેરમેન તરીકે મહિલાઓની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં કારોબારી, આરોગ્ય, પાણી પુરવઠા, બાંધકામ, નગર રચના, વીજળી, ગટર અને એસ્ટાબ્લિશમેન્ટ સમિતિના ચેરમેન તરીકે મહિલાઓની નિમણૂંક કરવામાં આવી છે.
માહિતી અનુસાર, તાજેતરમાં બોટાદ નગરપાલિકાના જનરલ હોલ ખાતે એક સામાન્ય સભા અને જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ તમામ સમિતિઓના ચેરમેન તરીકે મહિલાઓની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે જાંબુકિયા જયશ્રીબેન વિપુલભાઈ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે આશાબેન અશોકભાઈ, આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે સોનલબેન ભરતભાઈ ચુડાસમા, પાણી પુરવઠાના સમિતિના ચેરમેન તરીકે કળથિયા રમીલાબેન વાલજીભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે કુકડીયા વર્ષાબેન મહેશભાઈ, નગર રચના અને શહેર સુધારણા સમિતિના ચેરમેન તરીકે દક્ષાબેન શૈલેષભાઈ અને વીજળી સમિતિના ચેરમેન તરીકે ચૌહાણ નીતાબેન નંદરાજભાઈ ગટર સમિતિના ચેરમેન તરીકે શીતલબેન કાળુભાઈ રાઠોડ અને એસ્ટાબ્લિસ્ટમેન્ટ સમિતિના ચેરમેન તરીકે બથવાર અવનીબેન હરેશભાઈની નિમણૂક કરવામાં આવી હતી.
આ સામાન્ય સભામાં બોટાદ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન, ઉપપ્રમુખ નીરૂબેન ત્રાસડીયા, ચીફ ઓફિસર, નગરપાલિકાના અધિકારીઓ તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દ્વારા બોટાદ નગરપાલિકાએ સ્ત્રી સશક્તિકરણનું એક મજબૂત પગલું ભર્યું છે, જે અન્ય સંસ્થાઓ અને સમાજ માટે પ્રેરણારૂપ છે. મહત્વનું છે કે, આ નિમણૂકોએ નગરપાલિકામાં મહિલાઓનો દબદબો સ્પષ્ટપણે દર્શાવ્યો છે.

