જીજ્ઞેશ પટેલ
ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માણાવદરની કિસાન મિત્ર ક્લબ દ્વારા દર વર્ષે ૧.૫ લાખથી વધુ વૃક્ષોનું મફત વિતરણ
Manavadar તા.૧૪
આજના આધુનિક યુગમાં વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યાઓ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની છે. આ પરિસ્થિતિ સામે લડવા માટે માણાવદરના સાગર રાણપરીયા અને જૂનાગઢ જિલ્લા એગ્રો એસોસિએશન દ્વારા એક પ્રશંસનીય પર્યાવરણીય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેઓ છેલ્લા ૧૧ વર્ષથી કિસાન મિત્ર ક્લબના નેજા હેઠળ ગ્રીન કવર વધારવા માટે સતત કાર્યરત છે.સંસ્થા દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા ’વૃક્ષ રથ’ દ્વારા વિવિધ ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં પ્રવાસ કરીને ફળ-ફળાઉ છોડ, ઔષધીય વૃક્ષો અને પર્યાવરણ ઉપયોગી રોપાઓનું મફત વિતરણ કરવામાં આવે છે. આ સંસ્થા દર વર્ષે ૧ થી દોઢ લાખ જેટલા રોપાઓનું વિતરણ કરીને પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહી છે. એટલું જ નહીં, સંસ્થા લોકોના ઘર સુધી જઈને રોપાઓ પહોંચાડવાનું પણ ભગીરથ કાર્ય કરે છે. આજરોજ માણાવદરમાં વૃક્ષરથ આવી પહોંચ્યો હતો અને વિનામૂલ્યે રોપાવોનું વિતરણ કર્યું હતું
આ અંગે સાગર રાણપરીયાએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ જેવી ભયાનક પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરવા માટે માત્ર વૃક્ષોનું વિતરણ પૂરતું નથી, પરંતુ તેનો ઉછેર પણ એટલો જ જરૂરી છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે જે કોઈ પણ વ્યક્તિ અહીંથી રોપા મેળવે, તેઓ તેનું ૧૦૦ ટકા વાવેતર કરે અને જ્યાં સુધી છોડ મોટો ન થાય ત્યાં સુધી તેની પૂરતી સંભાળ રાખે.આ સંસ્થાનો એક જ મુખ્ય ધ્યેય મંત્ર છે વૃક્ષો વાવો અને વાવડાવો. સંસ્થાના આ પ્રયાસોથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધી રહી છે અને વધુને વધુ લોકો આ ગ્રીન અભિયાનમાં જોડાઈ રહ્યા છે.

